પોઈચા : હમણાં કેટલાક સમયથી સંત સાધુઓ સમાચારમાં પ્રકાશિત થઇ રહ્યા છે. સંપત્તિ , છેતરપિંડી સહિતના વિવાદો હાલ ઉજાગર થઇ રહ્યા છે. જેમાં ઠેકઠેકાણેથી અલગ અલગ વિવાદો સામે આવી રહ્યાં છે. અરવલ્લી જિલ્લાના લિંબ અને માથાસુલિયા ગામમાં 500 એકર જમીન પર પોઈચા જેવા સ્વામીનારાયણ મંદિરમાં બાંધકામ કરવાનો પ્રસ્તાવ રજૂ કરીને છેતરપિંડી કરવાના મામવે વડતાલ સ્વામીનારાયણ મંદિરના સંતો સહિત કુલ આઠ લોકો વિરુદ્ધ ગાંધીનગરના સીઆઈડી ક્રાઈમમાં ગુનો નોંધાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સોલા સાયન્સ સીટી રોડ પાસે રહેતા ઘનશ્યામસિંહ વાઘેલા (ઉ,56 ) વટવા રોપડા રોડ પાસે ઓશિયા મોલની સામે ઓફિસ રાખીને જમીન દલાલીનો ધંધો કરે છે. તેમની સાથે તેમના ભાગીદાર દિલીપકુમાર પટેલ પણ જમીન દલાલીનો ધંધો કરે છે. ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં બપોરના સમયે તેમની ઓફિસમાં સુરેશભાઈ ઘોરી અને લાલજીભાઈ ઢોલા નામના બે વ્યક્તિઓ આવ્યા અને ‘‘અમે પણ જમીન દલાલીનો ધંધો કરીએ છીએ’’ તેમ કહીને વાતચીત શરૂ કરી હતી. ત્યારબાદ બંને શખ્સોએ જમીન ખરીદવામાં રસ ધરાવતા હોય તો ‘‘સ્વામીનારાયણ મંદિર વડતાલને ગૌ-શાળા બનાવવા માટે 500થી 700 વીઘા જમીનની જરૂર છે. પરંતુ વડતાલ મંદિરના સ્વામીઓ ખેડૂતો પાસેથી ડાયરેક્ટ જમીન ખરીદશે તેઓ ખેડૂતો વધુ ભાવની માંગણી કરી રહ્યા છે. જેથી તમે વચ્ચે રહેશો તો સ્વામી તમારી પાસેથી જમીન ખરીદીને તમને તમારી દલાલી આપી દેશેે. બંને શખ્સોએ ‘‘અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના આવેલા લિંબ ગામમાં ૫૦૦થી 700 વીઘા જેટલી ખેતીની જમીન આવેલી છે. તે જમીન પર સંતોને પોઈચા જેવું સ્વામીનારાયણનું ભવ્ય મંદિર તથા ગૌ-શાળા બનાવવી છે. જો આ જમીનમાં તમે રોકાણ કરશો તો તમને સારો ફાયદો મળશે’’ તેવી લોભામણી વાતો કરીને ઘનશ્યામસિંહ અને તેમના ભાગીદારને ફસાવી લીધા હતા.જમીનનું ફાઇનલ કરવાવ માટે બંને સિદ્ધેશ્વર ગૌ-શાળા આણંદ પહોંચ્યા ત્યારે દેવ પ્રકાશ સ્વામી, માધવ પ્રિય સ્વામી, વિજય પ્રકાશ સ્વામી અને જયકૃષ્ણ સ્વામી હાજર હતા.
સુરેશ ભાઈ અને લાલજીભાઈ જે વડતાલ સ્વામીનારાયણ મંદિર વતી જમીનનો સોદો કરવા માટે આવ્યા હતા. આ બંને લોકો સાથે રહીને જમીન જોવા માટે ગયા હતા. આ સમયે જમીનના ડોક્યુમેન્ટમાં માલિકી તરીકે ભુપેન્દ્ર ભાઈ પટેલ અને વિજયસિંહ ચૌહાણનું નામ હતું. તે લોકો પણ જગ્યા પર અગાઉથી હાજર હતા. અને ત્યારે એક વીઘાના રૂ. ૧૭.૫૧ લાખ ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ગત ૧ જાન્યુઆરીના રોજ ભુપેન્દ્રભાઈ પટેલ, વિજય સિંહ ચૌહાણ તેમજ દલાલ સુરેશ ભાઈ ઘોરી અને લાલજીભાઈ ઢોલા ફરિયાદીની ઓફિસે આવ્યા અને સમજૂતી કરાર કરાવીને કુલ રૂ. ૧.૧૧ કરોડ રૂપિયા અલગ અલગ લોકોના ખાતામાં જમા કરાવ્યા હતા.