IRCTC Food Delivery દ્વારા ટ્રેનમાં પોતાની સીટ પર જમવાનું મંગાવતા મુસાફરો માટે મહત્ત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન (IRCTC)એ 14 અનધિકૃત ફૂડ ડિલિવરી વેબસાઇટ્સની યાદી જાહેર કરીને મુસાફરોને ત્યાંથી ખોરાક ઓર્ડર ન કરવાની સલાહ આપી છે. સાથે જ, ટ્રેનમાં જમવાનું મંગાવવા માટે અધિકૃત વેબસાઇટ્સ અને ફૂડ ડિલિવરી પાર્ટનર્સની માહિતી પણ આપવામાં આવી છે.
લાંબી ટ્રેન મુસાફરી દરમિયાન ઘણા લોકો મોબાઇલ એપ અથવા વેબસાઇટ દ્વારા પોતાની સીટ પર જમવાનું મંગાવે છે. જોકે, બિનસત્તાવાર પ્લેટફોર્મનો ઉપયોગ કરવાથી ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા ઉપરાંત અંગત માહિતી તથા નાણાંની સુરક્ષા સામે પણ જોખમ ઊભું થઈ શકે છે.
ખરાબ ખોરાક અને સાયબર છેતરપિંડીનું જોખમ
IRCTCના જણાવ્યા અનુસાર, કેટલીક અનધિકૃત વેબસાઇટ્સ એવા રેસ્ટોરન્ટ્સ સાથે જોડાયેલી હોઈ શકે છે, જેની પાસે જરૂરી ફૂડ લાઇસન્સ નથી અથવા જે FSSAIના નિયમોનું પાલન કરતા નથી. આવી જગ્યાએ સ્વચ્છતાના અભાવે મુસાફરોના આરોગ્યને નુકસાન થવાની શક્યતા રહે છે.
આ ઉપરાંત, આવી વેબસાઇટ્સ પર ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે બેન્કિંગ વિગતો, PNR નંબર અને ઈ-મેઇલ જેવી અંગત માહિતીનો દુરુપયોગ થવાનો ભય રહે છે. ઓર્ડર સમયસર ન પહોંચવો, છેલ્લી ઘડીએ રદ થવો અને રિફંડ મેળવવામાં મુશ્કેલી જેવી સમસ્યાઓ પણ થઈ શકે છે.
IRCTC Food Delivery: આ 14 વેબસાઇટ્સથી રહો દૂર
IRCTCએ મુસાફરોને નીચેની 14 વેબસાઇટ્સ પરથી જમવાનું ઓર્ડર ન કરવાની સલાહ આપી છે:
-
RAILRESTRO.COM
-
RAILRESTRO.IN
-
RAILMITRA.COM
-
TRAVELKHANA.COM
-
TRAIN SCAFE.COM
-
DIBRAIL.COM
-
RAILFOOD.NET
-
TRAVELERFOOD.COM
-
FOODONTRACK.IN
-
ECATERING.APP
-
KHANAONLINE.IN
-
TRAINWAY.IN
-
RAILMEAL.COM
-
TRAINMENU.COM
IRCTCએ સ્પષ્ટતા કરી છે કે આ યાદીમાં કેટલાક મુખ્ય અનધિકૃત ઓપરેટર્સનાં નામ સામેલ છે. તેથી કોઈપણ અજાણી અથવા બિનસત્તાવાર વેબસાઇટ પરથી ઓર્ડર કરતાં પહેલાં તેની અધિકૃતતા તપાસવી જરૂરી છે.
ટ્રેનમાં જમવાનું મંગાવવા માટે અધિકૃત વિકલ્પો
મુસાફરો IRCTCની સત્તાવાર ઈ-કેટરિંગ વેબસાઇટ ecatering.irctc.co.in પર જઈને PNR નંબર દાખલ કરીને જમવાનું બુક કરાવી શકે છે. આ ઉપરાંત, IRCTCની સત્તાવાર Food on Track મોબાઇલ એપ દ્વારા પણ ઓર્ડર આપી શકાય છે.
જમવાનું બુક કરાવવા માટે ઈ-કેટરિંગ હેલ્પલાઇન નંબર 1323 પર પણ સંપર્ક કરી શકાય છે. IRCTCએ Zomato, Swiggy, Zoop, RailYatri અને RailRecipe જેવા અધિકૃત ફૂડ ડિલિવરી પાર્ટનર્સનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
આથી, ટ્રેનમાં ઓનલાઈન જમવાનું મંગાવતી વખતે વેબસાઇટ કે એપની અધિકૃતતા તપાસવી અને અજાણી લિંક પર પેમેન્ટ કરવાનું ટાળવું મુસાફરો માટે જરૂરી છે.

