Swachh Survekshan 2025-26: વડોદરા બન્યું ગુજરાતનું સૌથી સ્વચ્છ શહેર, સુરતને દેશભરમાં બીજું સ્થાન

Swachh Survekshan 2025-26

Swachh Survekshan 2025-26માં વડોદરા શહેરે ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવીને મોટી સિદ્ધિ નોંધાવી છે. સ્વચ્છતા ક્ષેત્રે શહેરના પ્રયાસોને ધ્યાનમાં રાખીને વડોદરાને ગુજરાતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે સુરતે દેશભરમાં બીજું સ્થાન મેળવ્યું છે, જ્યારે અમદાવાદને મોટા શહેરોની શ્રેણીમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિશેષ પુરસ્કાર મળ્યો છે.

નવી દિલ્હીમાં યોજાયેલા 10મા સ્વચ્છ સર્વેક્ષણના પુરસ્કાર સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજેતા શહેરોને સન્માનિત કર્યાં હતાં. ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિવિધ શહેરોના મેયર અને મ્યુનિસિપલ કમિશનરની સાથે રાજ્ય તરફથી પુરસ્કાર સ્વીકાર્યો હતો. કાર્યક્રમમાં કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી મનોહર લાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતનાં શહેરોએ રાષ્ટ્રીય સ્તરે નોંધાવી સિદ્ધિ

આ સર્વેક્ષણમાં મહારાષ્ટ્રના નવી મુંબઈએ દેશનું સૌથી સ્વચ્છ શહેર બનવાનો ખિતાબ મેળવ્યો છે. જ્યારે ગુજરાતના સુરતે ‘સુપર સ્વચ્છ લીગ’માં બીજું સ્થાન મેળવ્યું છે. આ યાદીમાં આંધ્રપ્રદેશનું વિજયવાડા ત્રીજા ક્રમે રહ્યું છે.

10 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોની શ્રેણીમાં અમદાવાદને ઉત્કૃષ્ટ કામગીરી બદલ વિશેષ પુરસ્કાર આપવામાં આવ્યો છે. બીજી તરફ, 3થી 10 લાખની વસ્તી ધરાવતાં શહેરોની શ્રેણીમાં ગાંધીનગરને સૌથી સ્વચ્છ શહેર તરીકે સ્થાન મળ્યું છે. રાજકોટ સહિત ગુજરાતનાં અન્ય શહેરોએ પણ સ્વચ્છતાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદર્શન કર્યું છે.

Swachh Survekshan 2025-26માં સાણંદને પણ મળ્યું સન્માન

‘સ્વચ્છ શહેર જોડી’ પહેલ હેઠળ અમદાવાદને ‘મેન્ટર સિટી’ તરીકે પ્રથમ સ્થાન મળ્યું છે, જ્યારે સાણંદને તેના ‘મેન્ટી સિટી’ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. આ પહેલનો હેતુ શહેરો વચ્ચે સ્વચ્છતા અંગેના અનુભવો અને સારી કામગીરીની પદ્ધતિઓનું આદાનપ્રદાન કરવાનો છે.

આ સર્વેક્ષણમાં દેશનાં આશરે 4,909 શહેરોનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કચરાનું એકત્રીકરણ, પરિવહન, નિકાલ અને નાગરિકોની ભાગીદારી જેવા માપદંડોના આધારે કુલ 12,500 ગુણનું મૂલ્યાંકન કરાયું હતું.

આ વર્ષની થીમ ‘સ્વચ્છતાની નવી પહેલ – હાથ મિલાવીએ, સાથે મળીને સફાઈ કરીએ’ રાખવામાં આવી હતી. આ પરિણામથી ગુજરાતનાં શહેરોમાં સ્વચ્છતા જાળવવા માટે થઈ રહેલા પ્રયાસોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે.

અમૂલ ડેરીએ ગોલ્ડના ભાવમાં ₹4 અને તાજામાં ₹2નો કર્યો વધારો