PF Account Correction માટે હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ના સભ્યોને ઓફિસના ધક્કા ખાવાની જરૂર નહીં પડે. EPFOની ઓનલાઈન જોઈન્ટ ડિક્લેરેશન (Joint Declaration) સુવિધા દ્વારા કર્મચારીઓ પોતાના પીએફ ખાતામાં નોંધાયેલી ખોટી વિગતો સુધારવા માટે અરજી કરી શકે છે. નામ, જન્મતારીખ, પિતા અથવા પતિનું નામ તેમજ નોકરી શરૂ અને છોડવાની તારીખ જેવી વિગતોમાં ભૂલ હોય તો આ સુવિધા ઉપયોગી બની શકે છે.
પીએફ ખાતામાં નાની લાગતી ભૂલ પણ ભવિષ્યમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. ખાસ કરીને પીએફની રકમ ઉપાડતી વખતે, જૂના ખાતામાંથી નવા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરતી વખતે અથવા પેન્શનનો લાભ મેળવતી વખતે વિગતોમાં તફાવત હોવાને કારણે પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે.
PF ખાતામાં કઈ વિગતો સુધારી શકાશે?
EPFOની જોઈન્ટ ડિક્લેરેશન સુવિધા હેઠળ સભ્યો નીચેની વિગતોમાં સુધારા માટે અરજી કરી શકે છે:
-
કર્મચારીનું નામ
-
જન્મતારીખ
-
પિતા અથવા પતિનું નામ
-
નોકરી શરૂ કરવાની તારીખ
-
નોકરી છોડવાની તારીખ
-
રોજગાર સંબંધિત અન્ય જરૂરી વિગતો
PF Account Correction માટે અનુસરો આ 5 સ્ટેપ
1. EPFO પોર્ટલ પર લોગિન કરો: EPFOના સત્તાવાર મેમ્બર સેવા પોર્ટલ પર જઈ UAN, પાસવર્ડ અને કેપ્ચા દાખલ કરીને લોગિન કરો.
2. Joint Declaration વિકલ્પ પસંદ કરો: લોગિન કર્યા બાદ મેનૂમાં ઉપલબ્ધ જોઈન્ટ ડિક્લેરેશન વિકલ્પ પર ક્લિક કરો.
3. ખોટી વિગતો પસંદ કરો: સ્ક્રીન પર દેખાતી વિગતોમાંથી જેમાં સુધારો કરવો હોય તે પસંદ કરો.
4. સાચી માહિતી અને દસ્તાવેજો અપલોડ કરો: જરૂરી સુધારેલી માહિતી દાખલ કરીને આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા પાસપોર્ટ જેવા માન્ય પુરાવા અપલોડ કરો.
5. અરજી સબમિટ કરો: તમામ વિગતો તપાસ્યા બાદ અરજી સબમિટ કરો.
અરજી સબમિટ થયા પછી તેની ચકાસણી સંબંધિત નોકરીદાતા અને EPFO દ્વારા કરવામાં આવશે. ચકાસણી પૂર્ણ થયા બાદ મંજૂર થયેલા સુધારા ખાતામાં અપડેટ કરવામાં આવશે.
WhatsAppથી પણ મળશે PFની માહિતી
EPFOની WhatsApp સેવા દ્વારા સભ્યો પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી પીએફ બેલેન્સ, પાસબુક અને છેલ્લાં પાંચ વ્યવહારોની માહિતી મેળવી શકે છે. ખાતાધારકોએ સમયાંતરે પીએફની વિગતો આધાર કાર્ડ અને અન્ય સરકારી દસ્તાવેજો સાથે સરખાવી લેવી જોઈએ. કોઈ વિસંગતતા જણાય તો યોગ્ય પુરાવા સાથે સુધારા માટે અરજી કરી શકાય છે.

