Muslim Samuh Lagna in Varsola : ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં આવેલા વરસોલા ગામના મુસ્લિમ સમાજ દ્વારા એક ઐતિહાસિક અને સરાહનીય પહેલ કરવામાં આવી છે. મુસ્લિમ બિરાદરો માટે ‘પ્રથમ મુસ્લિમ સમૂહ શાદી-2026’ (First Muslim Mass Marriage 2026) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક એકતાની સાથે સાથે શિક્ષણને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું, જે આખા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Muslim Samuh Lagna in Varsola : સરપંચની આગેવાનીમાં ભવ્ય આયોજન
વરસોલા ગામના સરપંચ મહેબૂબખાન પી. પઠાણ અને સમાજના અન્ય અગ્રણીઓની જહેમતથી આ સમૂહ લગ્નોત્સવનું સફળ આયોજન શક્ય બન્યું હતું. સમાજના આર્થિક રીતે નબળા પરિવારોને મદદરૂપ થવા અને લગ્ન પાછળ થતા ખોટા ખર્ચાઓ અટકાવવાના શુભ આશયથી આ પ્રથમ સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં બંને ગામના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે આપી હાજરી
આ અવસરે મહેમદાવાદ વિધાનસભા બેઠકના લોકલાડીલા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ (Arjunsinh Chauhan) ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નિકાહ પઢેલા તમામ નવા યુગલ દંપતીઓને સુખી દાંપત્યજીવન માટે આશીર્વાદ પાઠવ્યા હતા અને સમાજના આ સુંદર આયોજનની મુક્તકંઠે પ્રશંસા કરી હતી.

તેજસ્વી તારલાઓનું કરાયું વિશેષ સન્માન
આ સમૂહ લગ્નોત્સવ માત્ર લગ્ન પૂરતો સીમિત ન રહેતા, તેમાં શિક્ષણને પણ બિરદાવવામાં આવ્યું હતું. વરસોલા અને અંધજ ગામના જે વિદ્યાર્થીઓએ તાજેતરમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં સારા ટકા મેળવીને ઉત્તીર્ણ થયા છે, તેઓનું મંચ પરથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વર્તમાન ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ અને પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણના (Gautambhai Chauhan) વરદ્ હસ્તે આ તમામ તેજસ્વી તારલાઓને સન્માનપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદના જુહાપુરામાં શાહીન ફાઉન્ડેશનની નવી શાખાનું કરાયું ભવ્ય ઉદ્ઘાટન, સંજય રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા

