Droupadi Murmu Gujarat Visit રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારથી ત્રણ દિવસીય સત્તાવાર પ્રવાસે ગુજરાતની મુલાકાતે પધાર્યા છે. આ વિશેષ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના બે મહત્વપૂર્ણ અને પ્રતિષ્ઠિત કાર્યક્રમોમાં વિશેષરૂપે ઉપસ્થિત રહેવાના છે, જેને લઈને વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.
Droupadi Murmu Gujarat Visit રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સોમવારથી ત્રણ દિવસીય સત્તાવાર પ્રવાસે
પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે સોમવારે રાષ્ટ્રપતિ નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલા વિશ્વપ્રસિદ્ધ ‘એકતા નગર’ ખાતે પહોંચશે. અહીં તેઓ 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. ભારતીય સિનેમા જગતના આ અત્યંત પ્રતિષ્ઠિત મંચ પર દેશભરના ઉત્કૃષ્ટ કલાકારો અને ચલચિત્રોને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવશે. આ ભવ્ય સેરેમોનીમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અનેક દિગ્ગજ મહાનુભાવો અને કેન્દ્રીય મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.
મંગળવારે રાષ્ટ્રપતિ વડોદરા શહેરની મુલાકાતે આવશે
પ્રવાસના બીજા દિવસે એટલે કે વડોદરા ખાતે તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા (MSU) ના 75મા વાર્ષિક દીક્ષાંત સમારોહમાં વિશેષ ઉપસ્થિતિ નોંધાવશે. યુનિવર્સિટીના આ ભવ્ય કોન્વોકેશનમાં તેઓ ઉતીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરશે અને યુવા શક્તિને પ્રેરક માર્ગદર્શન પૂરું પાડે તેવી અપેક્ષા છે.
રાષ્ટ્રપતિના આ ત્રણ દિવસીય પ્રવાસને ધ્યાનમાં રાખીને એકતા નગર અને વડોદરા બંને સ્થળોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષાના સઘન પ્રબંધો ગોઠવવામાં આવ્યા છે. આ મુલાકાતથી ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે વધુ એક ગૌરવવંતી ક્ષણ સાક્ષી બનવાની તક મળી છે.

