Pilibhit Voter List Irregularities: ઉત્તર પ્રદેશમાં ચૂંટણી તંત્ર દ્વારા મતદાર યાદીની પારદર્શિતા જાળવવા માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) દ્વારા એક મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. ગુરુવારે જારી કરાયેલા સત્તાવાર નિવેદન અનુસાર, પીલીભીત વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં તપાસ દરમિયાન 10,470 એન્ટ્રીઓમાં ગંભીર અનિયમિતતાઓ મળી આવી છે. આ ગેરરીતિ બદલ ચૂંટણી પંચે બે ચૂંટણી નોંધણી અધિકારીઓ (ERO) સામે કાનૂની અને વિભાગીય કાર્યવાહી કરવાનો સ્પષ્ટ આદેશ આપ્યો છે.
મળતી માહિતી મુજબ, પીલીભીત જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલા તપાસ અહેવાલમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. કમ્પ્યુટર સહાયક દ્વારા ગત 31 મે થી 29 ઓગસ્ટ, 2026 વચ્ચે મતદાર વિગતોમાં સુધારણા માટે કુલ 13,779 ફોર્મ 8 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે આ તમામ એન્ટ્રીઓ સંબંધિત કોઈ પણ પ્રકારના ભૌતિક ફોર્મ અથવા સહાયક રેકોર્ડ સંબંધિત ઓફિસમાં ઉપલબ્ધ નહોતા. તેમ છતાં આમાંથી 10,470 ફોર્મમાં સુધારણા મંજૂર કરી દેવામાં આવી હતી, જેમાં મોટા પાયે અનિયમિતતાઓ આચરવામાં આવી હોવાનું સ્પષ્ટ થયું છે.
Pilibhit Voter List Irregularities: કમ્પ્યુટર સહાયકની સેવાઓ સમાપ્ત, ત્રણ સામે FIR દાખલ
આ ગંભીર બેદરકારી સામે આવતા જ પ્રશાસન દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવ્યા છે. મતવિસ્તારના મતદાર નોંધણી કેન્દ્રમાં ફરજ બજાવતા કમ્પ્યુટર સહાયકની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, સહાયક જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આ કેસમાં સંડોવાયેલા અન્ય ત્રણ શખ્સો સામે એફઆઈઆર (FIR) પણ દાખલ કરવામાં આવી છે.
ચૂંટણી પંચના આદેશ અનુસાર, બંને ERO સામે વિભાગીય તપાસ અને કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, તેમજ અન્ય સહાયક ચૂંટણી નોંધણી અધિકારીઓની ભૂમિકાની પણ ઊંડાણપૂર્વક તપાસના આદેશ અપાયા છે. હાલમાં તંત્ર દ્વારા તમામ અનિયમિત ફોર્મ 8 એન્ટ્રીઓને સુધારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

