STAMP DUTY : ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલ વિભાગે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ, 1958 હેઠળના દરોમાં મહત્વપૂર્ણ સુધારા અને રાહત આપતા નક્કી કર્યા છે. આ નિર્ણયનો અમલ રાજ્યભરમાં 10 એપ્રિલ 2025થી અમલમાં આવશે.
મુખ્ય ઉદ્દેશ છે કે સ્ટેમ્પ ડ્યુટીની પ્રજા-લક્ષી દરવારી યોજનાઓથી સામાન્ય નાગરિકોને રાહત મળે અને વહીવટમાં સરળતા આવે.
મહત્વના ફેરફારોની ઝાંખી:
વડીલોપાર્જિત મિલકતમાં હક્ક કમી માટે:
જો અવસાન પામેલી પુત્રીના વારસદારો હક્કનો ત્યાગ કરતા હોય, તો હવે માત્ર ₹200 સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી ડોક્યુમેન્ટ નોંધાવી શકાય છે.
લોન ડોક્યુમેન્ટ ઉપર ડ્યુટી:
₹1 કરોડ સુધીની લોન માટે હવે મહત્તમ ₹5,000 સ્ટેમ્પ ડ્યુટી લાગશે.
જ્યારે ₹10 કરોડથી વધુ લોન માટે હાઇપોથીકેશન ડોક્યુમેન્ટ ઉપર ડ્યુટી ₹8,00,000થી વધારી ₹15,00,000 કરવામાં આવી છે.
બહુવિધ બેંકોમાંથી લોન લેવાના કિસ્સામાં સરચાર્જ સિવાય વધુમાં વધુ ₹75,00,000 સુધી સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડશે.
વધારાની જામીનગીરી માટે:
હવે ફિક્સ ડ્યુટી ₹5,000 રહેશે, ભલે લોનની રકમ કેટલી પણ હોય.
છૂટ અથવા ભૂલથી ઓછી ડ્યુટી ભરવાના કિસ્સાઓમાં:
જો વ્યક્તિ પોતે આગળ આવી ડ્યુટી ભરે છે, તો માસિક 2% વ્યાજ સાથે વધુમાં વધુ ચારગણી રકમ સુધી વસૂલાત થઈ શકે છે.
જો તંત્ર દ્વારા ડ્યુટીની ચોરી પકડાય છે, તો ત્યાં માસિક 3% દરે, વધુમાં વધુ છગણી રકમ દંડરૂપે વસૂલાશે.
ભાડા કરાર અંગેની નવિન જોગવાઈ:
એક વર્ષથી ઓછા સમયગાળા માટે:
રહેણાંક સંપત્તિ માટે ફિક્સ ₹500
વાણિજ્યિક સંપત્તિ માટે ફિક્સ ₹1000
ફાઇનાન્સિંગ ડોક્યુમેન્ટ ડ્યુટી:
જો બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવતા નથી, તો તેની જવાબદારી તેમના પર રહેશે.
ઓરિજિનલ ડોક્યુમેન્ટ ન હોય તો:
નકલ પરથી પણ ખૂટતી ડ્યુટી વસૂલ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
સરકારનો અભિગમ:
આ ફેરફારોના માધ્યમથી નાગરિકો, ઉદ્યોગકારો અને હાઉસિંગ લોન ધારકોને નાણાંકીય બોજ ઘટે તે સરકારનો આશય છે. ઉપરાંત, કોર્ટ મેટર્સ અને લીટીગેશનના કેસો પણ ઘટાડે તે માટે સ્પષ્ટ અને વ્યવહારૂ જોગવાઈઓ અમલમાં મુકવામાં આવી છે.
આ નિર્ણય ગુજરાતના નાગરિકો માટે ન માત્ર નાણાંકીય રાહત લાવશે, પરંતુ દસ્તાવેજ નોંધણી અને જમીન વ્યવહારમાં પણ પારદર્શિતા અને સરળતા વધારશે.