Rabari Colony Decision: ગુજરાત સરકાર દ્વારા રબારી સમાજ માટે એક મોટો અને મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરની ચાર રબારી વસાહતોના રહેવાસીઓને હવે તેમનું ઘર કાયમી માલિકી હક સાથે મળશે. રાજ્ય સરકારે કોર્પોરેશન સાથે મળીને બજાર ભાવને બદલે રિયાયતી દરે પ્લોટ આપવામાં સહમતી દર્શાવી છે.
આ પહેલાં કોર્પોરેશને રજૂઆત કરીને જણાવ્યુ હતું કે રબારી વસાહતના પરિવારોને જંત્રીના 50% દરે જમીન આપવી જોઈએ. હવે રાજ્ય સરકારે વધુ રાહત આપે જંત્રીના માત્ર 15%ના દરે પ્લોટ આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.
શું રહેશે નિયમો?
ફાળવણીના હુકમ પછી 6 મહિનાની અંદર જમીનની કિંમત ચૂકવવી પડશે.
મૂળ ફાળવણીદારના વારસદારો માટે ટ્રાન્સફર ફી માત્ર ₹1,000 રહેશે.
અન્ય વ્યક્તિ માટે ટ્રાન્સફર ફી ₹20,000 નક્કી કરવામાં આવી છે, જો યોગ્ય દસ્તાવેજો રજૂ કરે.
મહત્વપૂર્ણ: ફાળવેલ પ્લોટ આગામી 10 વર્ષ સુધી કોઈને વેચી શકાશે નહીં.
1100 રબારી પરિવારોને તેમના પોતાના ઘરો મળશે
આ નિર્ણયના કારણે અમદાવાદના 1100થી વધુ રબારી પરિવારોને કાયમી વસવાટ માટે પ્લોટ ફાળવવામાં આવશે. વર્ષોથી રબારી સમાજ દ્વારા ચાલી રહેલી માલિકી હકની માંગ આખરે માન્યતા પામી છે.
નેતાઓનો પ્રતિસાદ
પૂર્વ ડેપ્યુટી મેયર રમેશ દેસાઈએ જણાવ્યું:
“સરકારનો આ નિર્ણય અમે હર્ષ સાથે આવકારીએ છીએ. છેલ્લા છ દાયકાથી રબારી સમાજ પોતાની જમીનના હક માટે લડી રહ્યો હતો. હવે સરકારના આ નિર્ણયથી અમારા ઘરના સપનાને સાકાર થવાનો માર્ગ ખુલ્યો છે. અમે આ નિર્ણય બદલ સહૃદય આભાર માનીએ છીએ.”