Surat BJP Suspended : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવતા જ સુરત જિલ્લા ભાજપમાં ટિકિટ ફાળવણીને લઈને મોટો ખળભળાટ મચી ગયો છે. શિસ્ત માટે જાણીતા ભારતીય જનતા પાર્ટી (BJP) એ કડોદરા-ચલથાણ વિસ્તારમાં પક્ષ સામે બળવો પોકારનારા 4 અગ્રણી હોદ્દેદારો સામે લાલ આંખ કરીને તેમને તાત્કાલિક અસરથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.
Surat BJP Suspended ટિકિટ ન મળતા મધરાતે થયો હતો હંગામો
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત જિલ્લાના કડોદરા-ચલથાણ નગર ભાજપ સંગઠનમાં શુક્રવારે રાત્રે ટિકિટ ફાળવણી મામલે મોટો હોબાળો થયો હતો. સ્થાનિક દિગ્ગજ નેતા ભોળા ભરવાડ અને તેમના સમર્થકોને અપેક્ષા હતી કે પાર્ટી તેમને ચૂંટણી મેદાનમાં ઉતારશે. પરંતુ, પક્ષે અન્ય ઉમેદવારની પસંદગી કરતા ભોળા ભરવાડ નારાજ થયા હતા. તેમણે અને તેમના ટેકેદારોએ રાતોરાત ભાજપ કાર્યાલય પર ભારે હંગામો મચાવ્યો હતો.

સત્તાવાર ઉમેદવાર સામે નોંધાવી અપક્ષ ઉમેદવારી
માત્ર હંગામો જ નહીં, પરંતુ પક્ષની શિસ્ત અને મર્યાદા ઓળંગીને ભોળા ભરવાડ સહિતના 4 અસંતુષ્ટ સભ્યોએ ભાજપના સત્તાવાર ઉમેદવારની સામે જ ‘અપક્ષ ઉમેદવારી’ નોંધાવી દીધી હતી. પાર્ટીના હાઈકમાન્ડ અને જિલ્લા પ્રમુખે આ શિસ્તહીનતાને અત્યંત ગંભીરતાથી લીધી હતી. પક્ષમાં કોઈપણ પ્રકારનો બળવો સાંખી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપવા માટે સુરત જિલ્લા ભાજપ પ્રમુખે ભોળા ભરવાડ સહિત 4 દિગ્ગજ સભ્યોને 6 વર્ષ માટે પક્ષમાંથી હાંકી કાઢવાનો આકરો નિર્ણય લીધો છે.
ચૂંટણી સમયે જ સંગઠનના આ કડક પગલાથી સુરતના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે અને અન્ય નારાજ કાર્યકરોમાં પણ સોપો પડી ગયો છે. હવે જોવું એ રહ્યું કે અપક્ષ લડી રહેલા આ બળવાખોરો ભાજપના સત્તાવાર ઉમેદવારને ચૂંટણીમાં કેટલું નુકસાન પહોંચાડે છે.
આ પણ વાંચો: ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભડકો: વડોદરા અને ડભોઈમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર ઝપાઝપી

