Surat Father Murder: ગુજરાતના સુરત શહેરના કોસાડ વિસ્તારમાં મોબાઇલ ગેમ રમવા મુદ્દે થયેલા વિવાદમાં 22 વર્ષની પુત્રીએ પોતાના 55 વર્ષીય પિતાની હત્યા કરી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પિતાએ મોબાઇલમાં ગેમ રમવાની ના પાડીને ફોન તોડી નાખતાં પુત્રી ગુસ્સે થઈ હતી. ત્યારબાદ તેણે પ્રેશર કૂકરના ઢાંકણા અને ચાકુ વડે પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો. આ મામલે પોલીસે આરોપી પુત્રીની ધરપકડ કરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, મૃતક રમેશ ચૌહાણ રવિવારે કામ પરથી ઘરે પરત ફર્યા હતા. તે સમયે તેમની પત્ની મંજુએ ફરિયાદ કરી હતી કે પુત્રી કાજલ આખો દિવસ મોબાઇલમાં ગેમ રમે છે અને ઘરના કામમાં કોઈ મદદ કરતી નથી.
આ સાંભળ્યા બાદ રમેશ ચૌહાણે કાજલને મોબાઇલ બાજુમાં મૂકીને ઘરકામમાં મદદ કરવા કહ્યું હતું. જોકે, કાજલે તેમની વાત માની નહોતી. આથી ગુસ્સે થયેલા પિતાએ તેના હાથમાંથી મોબાઇલ છીનવીને જમીન પર પછાડ્યો હતો, જેના કારણે ફોન તૂટી ગયો હતો.
Surat Father Murder: મોબાઇલ તૂટતાં પુત્રીએ કર્યો જીવલેણ હુમલો
મોબાઇલ તૂટી જતાં કાજલનો ગુસ્સો વધી ગયો હતો. તેણે રસોડામાંથી પ્રેશર કૂકરનું ઢાંકણું લઈને પિતાના માથા પર જોરદાર પ્રહાર કર્યો હતો. ત્યારબાદ ચાકુ ઉપાડીને તેમના પર એક પછી એક ઘા કર્યા હતા.
પતિની ચીસો સાંભળીને મંજુ રસોડામાં દોડી આવ્યાં હતાં. ત્યાં તેમણે રમેશને લોહીલુહાણ હાલતમાં જમીન પર પડેલા જોયા હતા. તેમના માથા અને પેટમાંથી ભારે પ્રમાણમાં લોહી વહી રહ્યું હતું.
પરિવારજનો ઘાયલ રમેશને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મોડી રાત્રે આરોપી પુત્રીની ધરપકડ
મંજુની ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે રવિવારે મોડી રાત્રે જ કાજલને અટકાયતમાં લીધી હતી.
પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. વાનરે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે મોબાઇલ ગેમિંગને લઈને થયેલો સામાન્ય વિવાદ ગંભીર સ્વરૂપ ધારણ કરી ગયો હતો અને તેમાં પિતાની હત્યા થઈ હતી.
તપાસમાં જાણવા મળ્યું છે કે કાજલના જૈવિક પિતાનું થોડાં વર્ષો પહેલાં સૌરાષ્ટ્રમાં મોત થયું હતું. ત્યારબાદ તેની માતા સુરત આવી હતી અને રમેશ ચૌહાણ સાથે લગ્ન કર્યા હતાં. હાલ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.

