Surat Ghoomar World Record: રાજસ્થાન સ્થાપના દિવસ નિમિત્તે સુરતના ગોડાદરા સ્થિત મરુધર મેદાનમાં એક ઐતિહાસિક ઘટના બની રહી છે. 30 માર્ચે, 11,000 માતા-બહેનો રાજસ્થાનના પરંપરાગત ઘુમર નૃત્ય દ્વારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપશે. આ અવસરે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ પણ હાજર રહેશે.
ગુજરાત-રાજસ્થાનના સાંસ્કૃતિક સમાગમનો ભાગ
સુરતમાં વિવિધ સમાજના લોકો વસે છે, જેમાં રાજસ્થાન સમુદાયના લોકો મોટી સંખ્યામાં છે. કાપડ માર્કેટ સાથે સંકળાયેલા રાજસ્થાની લોકો માટે રાજસ્થાન દિવસ એક ખાસ તહેવાર છે, જેનું વિશાળ સ્તરે આયોજન કરવામાં આવે છે. આ વર્ષે, વિક્રમ શેખાવત અને રામઅવતાર ભાઈના નેતૃત્વમાં એક અનોખી પ્રસ્તુતિ થવાની છે, જેમાં 11,000થી વધુ બહેનો ઘુમર નૃત્યની ભવ્ય રજૂઆત કરશે.
સુરત તોડશે જયપુરનો રેકોર્ડ
આ પહેલાં જયપુરમાં 6,000 મહિલાઓએ ઘુમર નૃત્યની સાથે રેકોર્ડ બનાવ્યો હતો, જેને સુરતના લોકો તોડી નવો ઇતિહાસ રચવા તૈયાર છે. આ ઈવેન્ટ રાજસ્થાનની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને ગુજરાતી-રાજસ્થાની એકતાનું પ્રતિક બની રહેશે.
વિશિષ્ટ મહેમાનો અને વિશેષ કાર્યક્રમો
આ ભવ્ય કાર્યક્રમમાં રાજસ્થાનના કાલબેલીયા નૃત્યવિદ્ આસા સપેરા ખાસ હાજર રહેશે, જેમના માર્ગદર્શન હેઠળ બહેનો ઘુમર નૃત્ય રજૂ કરશે. ઉપરાંત, બોલીવુડના પ્રખ્યાત ફોક ગાયકો પણ મોજૂદ રહેશે.
જળ બચાવો સંકલ્પ અને ગંગા આરતી:
આ કાર્યક્રમ દરમિયાન બનારસના 11 પંડિતો દ્વારા ગંગા આરતી કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની “જળ બચાવો” અભિયાન હેઠળ 4-5 લાખ લોકો પાણી બચાવવા માટે પ્રતિજ્ઞા લેશે, જે ભારતના ઈતિહાસમાં સૌથી મોટો જળ સંરક્ષણ સંકલ્પ બનશે.
આ ભવ્ય ઇવેન્ટ માત્ર એક ડાન્સ રેકોર્ડ નહીં, પરંતુ સાંસ્કૃતિક ગૌરવ અને સામાજિક સંદેશવાહક કાર્યક્ર્મ તરીકે પણ યાદ રહેશે.