બંગાળમાં શુભેન્દુ અધિકારીના PA ની ગોળી મારીને હત્યા, ભાજપનો TMC પર આરોપ

Suvendu Adhikari PA Shot Dead

Suvendu Adhikari PA Shot Dead : પશ્ચિમ બંગાળમાં એક અત્યંત સનસનીખેજ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનાથી રાજ્યના રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના દિગ્ગજ નેતા શુભેન્દુ અધિકારીના અંગત મદદનીશ (PA) ચંદ્રનાથ રથની બુધવારે રાત્રે ગોળી મારીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. આ હત્યા બાદ રાજ્યમાં ભાજપ અને ટીએમસી વચ્ચેનો રાજકીય જંગ વધુ ઉગ્ર અને લોહીયાળ બની ગયો છે.

Suvendu Adhikari PA Shot Dead : મધ્યમગ્રામમાં 4 રાઉન્ડ ફાયરિંગ

આ ભયાનક ઘટના કોલકાતાના મધ્યમગ્રામ વિસ્તારમાં બની હતી. પ્રાથમિક અહેવાલો મુજબ, ચંદ્રનાથ રથ કાળા રંગની સ્કોર્પિયો કારમાં જઈ રહ્યા હતા ત્યારે નંબર પ્લેટ વગરની બાઇક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ તેમને આંતર્યા હતા. બદમાશોએ કારની નજીક આવીને ચંદ્રનાથને નિશાન બનાવીને ઉપરાછાપરી ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. હુમલા બાદ કારની તસવીરો પણ સામે આવી છે, જેમાં કાચ પર ગોળીઓના નિશાન સ્પષ્ટ દેખાય છે. ગંભીર રીતે ઘાયલ ચંદ્રનાથને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.


 

શુભેન્દુ અધિકારી સાથે 12 વર્ષ જૂનો નાતો

ચંદ્રનાથ રથ માત્ર એક સામાન્ય સ્ટાફ મેમ્બર જ ન હતા, પરંતુ તેઓ શુભેન્દુ અધિકારીના અત્યંત નજીકના અને વિશ્વાસુ સાથી હતા. તેઓ છેલ્લા 10 થી 12 વર્ષથી ભાજપના આ દિગ્ગજ નેતા સાથે પડછાયાની જેમ જોડાયેલા હતા. તાજેતરની ચૂંટણીઓમાં પણ ચંદ્રનાથ રથ પ્રચાર અભિયાન અને ચૂંટણી રણનીતિને લગતી અત્યંત મહત્વની કામગીરી સંભાળી રહ્યા હતા.

પોલીસની નાકાબંધી અને TMC પર આરોપ

ઘટનાની જાણ થતાં જ પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આખા વિસ્તારની નાકાબંધી કરી દીધી છે અને ફરાર હુમલાખોરોને પકડવા માટે સઘન શોધખોળ શરૂ કરી છે. આરોપીઓનું પગેરું મેળવવા માટે આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. બીજી તરફ, આ હિંસક ઘટના બાદ મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. ભાજપે આ હત્યાનો સીધો આરોપ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ (TMC) પર લગાવ્યો છે. ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે ચૂંટણીમાં હારના ડરથી અકળાયેલી TMC હવે રણનીતિકારોની હત્યા પર ઉતરી આવી છે.

આ પણ વાંચો: અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોનો ઈરાન પર પ્રહાર: સંયુક્ત રાષ્ટ્ર (UN) ની નિષ્ફળતા પર ઉઠાવ્યા સવાલ, પ્રિયંકા ચતુર્વેદીએ પણ આપ્યું સમર્થન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *