રાજ્યના નાણા પ્રધાન કનુ દેસાઈએ આજે ગુજરાતનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં અનેક જાહેરાતો કરવામાં આવી હતી. 3 લાખ 70 હજાર 250 કરોડના બજેટમાં દરેક વર્ગનો વિશેષ ખ્યાલ રાખવામાં આવ્યો હતો.
બજેટમાં શિક્ષણ ક્ષેત્ર માટે શું થઈ જાહેરાત
ગુજરાતની આશરે ૩૬% વસ્તી યુવા છે. રાજ્યની આ યુવાશક્તિની પ્રગતિ માટે અમારી સરકાર તેમને જરૂરી શિક્ષણ, સંસાધનો તથા રોજગારી ઉપલબ્ધ કરાવવા સતત કાર્યરત છે. સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા ૮૧ લાખથી વધુ લાભાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ થકી શિક્ષણને સુલભ બનાવવા દરેક તબક્કે વિવિધ શિષ્યવૃત્તિઓ માટે ₹૪૮૨૭ કરોડની જોગવાઇ.
યુવાનો ઉચ્ચ અભ્યાસ મેળવી શકે તે માટે અલગ અલગ ૧૦ જિલ્લાઓમાં કુલ ૨૦ સ્થળોએ સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બાંધવામાં આવશે. જેનો લાભ ૧૩ હજારથી વધુ વિદ્યાર્થીઓને મળશે.અમદાવાદ ખાતે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અને કરાઇ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પોર્ટ્સ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આઇ.ટી.આઇ.ના તાલીમાર્થીઓને ઉદ્યોગોની માંગ અનુરૂપ ટેકનોલોજી અને અદ્યતન સાધનોથી તાલીમ મળી રહે તે ઉદ્દેશથી આઇ.ટી.આઇ ને અપગ્રેડ કરવા ₹૪૫૦ કરોડની માતબર જોગવાઇ. આ આયોજનથી આવનારા પાંચ વર્ષમાં અંદાજિત પાંચ લાખ તાલીમાર્થીઓ તેનો લાભ મેળવશે.
આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સના યુગમાં આપણા યુવાનો દુનિયા સાથે કદમ મિલાવી શકે તે માટે એલ.ડી.ઈજનેરી કોલેજ, અમદાવાદ ખાતે અને અન્ય છ સરકારી ટેકનિકલ સંસ્થાઓ ખાતે AI લેબ સ્થાપિત કરવામાં આવશે.
અમદાવાદ ખાતેના i-Hub અને i-Create થકી સ્ટાર્ટઅપ્સ માટે અનુકૂળ ઇકોસિસ્ટમ સફળતાપૂર્વક ઊભી થઇ છે. રાજ્યના અન્ય વિસ્તારમાં સ્ટાર્ટઅપ્સને વેગ આપવા માટે ચાર રીજીયનમાં i-Hubની સ્થાપના કરવાનું આયોજન.