World Safest Countries 2027 ની નવી યાદીમાં કેનેડાને પ્રવાસીઓ માટે દુનિયાનો સૌથી સુરક્ષિત દેશ જાહેર કરવામાં આવ્યો છે. બર્કશાયર હેથવે ટ્રાવેલ પ્રોટેક્શન (BHTP) દ્વારા જાહેર કરવામાં આવેલી રેન્કિંગમાં કેનેડાએ પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગયા વર્ષની યાદીમાં કેનેડા પાંચમા ક્રમે હતું. આ વખતે તેણે ચાર સ્થાનની છલાંગ લગાવીને ટોચનું સ્થાન હાંસલ કર્યું છે.
BHTPની યાદીમાં ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આઇસલેન્ડ, જાપાન અને યુરોપના અનેક દેશોનો પણ સમાવેશ થયો છે. પ્રવાસીઓની સુરક્ષા, આરોગ્ય વ્યવસ્થા અને વિવિધ સમુદાયોના લોકો માટે સલામતી જેવા મુદ્દાઓના આધારે આ રેન્કિંગ તૈયાર કરવામાં આવી છે.
પ્રવાસીઓ માટેના ટોપ-10 સૌથી સુરક્ષિત દેશો
BHTPની 2027ની યાદી પ્રમાણે પ્રવાસીઓ માટેના સૌથી સુરક્ષિત દેશો આ પ્રમાણે છે:
-
કેનેડા
-
ન્યૂઝીલેન્ડ
-
ઓસ્ટ્રેલિયા
-
આઇસલેન્ડ
-
જાપાન
-
ઓસ્ટ્રિયા
-
આયર્લેન્ડ
-
નેધરલેન્ડ
-
ડેનમાર્ક
-
પોર્ટુગલ
ટોપ-10 પછી નોર્વે, સ્વિટ્ઝર્લેન્ડ, ઇટાલી, સ્પેન અને જર્મનીને પણ યાદીમાં સ્થાન મળ્યું છે. જોકે, BHTPએ જાહેર કરેલી રેન્કિંગમાં માત્ર ટોચના 15 દેશોનો સમાવેશ કર્યો છે.
World Safest Countries 2027: કયા માપદંડોના આધારે રેન્કિંગ નક્કી થઈ?
BHTP આ યાદી તૈયાર કરવા માટે મહિલાઓ, LGBTQIA+ પ્રવાસીઓ અને અલગ-અલગ જાતિના લોકોની સુરક્ષા સહિત અનેક પાસાંનું મૂલ્યાંકન કરે છે. હિંસક ગુનાઓ, આતંકવાદ, પરિવહન વ્યવસ્થા અને આરોગ્ય સુરક્ષા જેવા મુદ્દાઓ પણ ધ્યાનમાં લેવામાં આવે છે.
આ રેન્કિંગ મુખ્યત્વે અમેરિકન પ્રવાસીઓના સર્વેક્ષણ પર આધારિત છે. પ્રવાસીઓએ છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન મુલાકાત લીધેલા દેશોને સુરક્ષાના આધારે રેટિંગ આપ્યું હતું. આ ઉપરાંત ગ્લોબલ પીસ ઇન્ડેક્સ, નમ્બેઓ, વિશ્વ આરોગ્ય સંસ્થા, ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ અને અન્ય બાહ્ય સંસ્થાઓના આંકડાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.
BHTPના જણાવ્યા અનુસાર, મહિલાઓ, LGBTQIA+ પ્રવાસીઓ અને અશ્વેત સમુદાયના લોકોની સુરક્ષાના મામલે મળેલા સારા ગુણને કારણે કેનેડા પ્રથમ સ્થાને પહોંચ્યું છે. કેનેડા BHTPના ‘સેફ ટ્રાવેલ હોલ ઓફ ફેમ’માં પણ સામેલ છે. આ યાદીમાં 2018થી સતત ટોચના 10માં સ્થાન જાળવનારા દેશોને સ્થાન આપવામાં આવે છે.

