આણંદમાં ગેરકાયદે ખનન અને ખનિજ વહન સામે જિલ્લા વહીવટી તંત્રએ મોટી કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા કલેક્ટર ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની તપાસ ટીમે મહી નદીના પટ્ટા સહિત વિવિધ સ્થળોએ આકસ્મિક તપાસ કરી હતી. આ કાર્યવાહીમાં કુલ અંદાજે ₹3.98 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આણંદમાં ગેરકાયદે ખનન માંદવાપુરા-વાસદમાં ₹1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત
આણંદ તાલુકાના માંદવાપુરા અને વાસદના મહી નદી પટ્ટ વિસ્તારમાં તપાસ દરમિયાન 2 એક્સેવેટર મશીન, 2 યાંત્રિક નાવડી (બોટ) અને રેતી ચાળવાના 2 ચારણા સીઝ કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન અંદાજે ₹1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો.
ગંભીરા-બામણગામમાં 3 બોટ સીઝ
આંકલાવ તાલુકાના ગંભીરા-બામણગામ વિસ્તારમાં મહી નદીના પટ્ટમાંથી ગેરકાયદેસર ખાણકામ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંથી કુલ 3 યાંત્રિક નાવડી સીઝ કરીને અંદાજે ₹12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
કઠાણા-રામપુરામાં માટીના ગેરકાયદે ખનન સામે કાર્યવાહી
બોરસદ તાલુકાના કઠાણા-રામપુરા ખાતે ખાનગી માલિકીની જમીનમાંથી સાદી માટીનું ગેરકાયદેસર ખાણકામ અને વહન થતું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આથી ટીમે 1 જેસીબી મશીન અને 1 ટ્રેક્ટર-ટ્રોલી સીઝ કરી હતી. જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત ₹34 લાખ છે.
અકસ્માત બાદ તપાસમાં ગેરકાયદે રેતી વહન પકડાયું
અજરપુરા-સોલાપુરા રોડ પર માર્ગ અકસ્માતની ઘટના દરમિયાન તપાસ કરતાં સાદી રેતીનું ગેરકાયદેસર વહન કરતું 1 ટ્રક-ડમ્પર મળી આવ્યું હતું. ટીમે આ વાહન સીઝ કરીને અંદાજે ₹40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
સારસામાં ₹1.80 કરોડનાં વાહનો સીઝ
આણંદ તાલુકાના સારસા ખાતે ખાનગી જમીનમાંથી સાદી માટીનું ગેરકાયદેસર ખાણકામ અને વહન કરવા બદલ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. અહીંથી 2 જેસીબી મશીન અને 4 ટ્રક-ડમ્પર સીઝ કરવામાં આવ્યા હતા. આ મુદ્દામાલની અંદાજિત કિંમત ₹1.80 કરોડ હોવાનું જણાવાયું છે.
કુલ ₹3.98 કરોડનો મુદ્દામાલ જપ્ત
જિલ્લા કલેક્ટર ઉત્સવ ગૌતમની સૂચના અને માર્ગદર્શન હેઠળ મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની ટીમે વિવિધ સ્થળોએ આ કાર્યવાહી કરી હતી. પાંચ અલગ-અલગ સ્થળોએ હાથ ધરાયેલી તપાસમાં કુલ ₹3.98 કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.
ગેરકાયદેસર ખાણકામ અને ખનિજના વહન સામે તંત્ર દ્વારા નિયમોનુસાર કાયદેસરની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી ગેરકાયદે ખનન સાથે સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે.

