US Iran War: અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાનના સૌથી મોટા અને ઊંચા ‘B1 પુલ’ ને નષ્ટ કરવામાં આવ્યા બાદ હવે પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ હુમલાના જવાબમાં ઈરાને ‘જેવા સાથે તેવા’ (Tit for Tat) ની નીતિ અપનાવીને બદલો લેવાની તૈયારી શરૂ કરી છે. ઈરાને મધ્ય પૂર્વના 8 મુખ્ય અને મોટા ખાડી પુલોની એક ‘હિટ લિસ્ટ’ જાહેર કરી છે, જેને તે ભવિષ્યના સંભવિત લક્ષ્યો તરીકે જોઈ રહ્યું છે.
US Iran War: B1 પુલ પર અમેરિકાનો ભયાનક હુમલો
તાજેતરમાં અમેરિકા અને ઈઝરાયલે ઈરાનના કરજ વિસ્તારમાં નિર્માણાધીન B1 પુલ પર હુમલો કર્યો હતો. 136 મીટરની ઊંચાઈ ધરાવતો આ પુલ ઈરાનનો સૌથી ઊંચો પુલ હતો, જે તેહરાન અને પશ્ચિમી કરજને જોડવા માટે બનાવવામાં આવી રહ્યો હતો. આ હુમલામાં પુલનો મોટો હિસ્સો ધરાશાયી થયો હતો, જેમાં 8 લોકોના મોત થયા છે અને 95 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
ઈરાનની ‘હિટ લિસ્ટ’માં કયા 8 પુલ છે સામેલ?
ઈરાનની અર્ધ-સરકારી ‘ફાર્સ ન્યૂઝ એજન્સી’ દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાં કુવૈત, UAE, સાઉદી અરેબિયા અને જોર્ડનના મુખ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સમાવેશ થાય છે. જો ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) વળતો પ્રહાર કરશે તો આ પુલોને નિશાન બનાવી શકે છે:
શેખ જાબેર અલ-અહમદ અલ-સબાહ સી બ્રિજ (કુવૈત)
શેખ જાયદ બ્રિજ (UAE)
અલ મક્તા બ્રિજ (UAE)
શેખ ખલીફા બ્રિજ (UAE)
કિંગ ફહદ કોઝવે (સાઉદી અરેબિયા-બહેરીન)
કિંગ હુસૈન બ્રિજ (જોર્ડન)
દામિયા બ્રિજ (જોર્ડન)
અબ્દૌન બ્રિજ (જોર્ડન)
ડોનાલ્ડ ટ્રમ્પની સીધી ચેતવણી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ પુલ ધરાશાયી થતો હોય તેવો એક વીડિયો શેર કરીને ઈરાનને આકરી ચેતવણી આપી છે. તેમણે લખ્યું છે કે, “ઈરાનનો સૌથી મોટો પુલ ધરાશાયી થઈ ગયો છે અને હવે તેનો ક્યારેય ફરીથી ઉપયોગ થઈ શકશે નહીં. જો ઈરાન વાટાઘાટો કરવા નહીં આવે તો તેને વધુ તબાહીનો સામનો કરવો પડશે, હજુ તો ઘણું બધું થવાનું બાકી છે!”
હુમલાથી ઈરાન ઝૂકશે નહીં: અબ્બાસ અરાઘચી
બીજી તરફ ઈરાનના વરિષ્ઠ અધિકારી અબ્બાસ અરાઘચીએ નિર્દોષ નાગરિકો અને નિર્માણાધીન માળખા પર થયેલા આ હુમલાની આકરી નિંદા કરી છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા સ્પષ્ટ કર્યું છે કે આવા હુમલાઓથી ઈરાન ઝૂકશે નહીં. આ હુમલો માત્ર દુશ્મનની નૈતિક હાર દર્શાવે છે.
આ પણ વાંચો: Iran Nuclear Attack: ઈરાન પર થશે પરમાણુ હુમલો? UN રાજદૂતનો સનસનીખેજ ખુલાસા સાથે આપ્યું રાજીનામું!

