Vadodara Love Couple Suicide : વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલા સરણેજ ગામ પાસેથી પસાર થતી નર્મદા મેઈન કેનાલમાં એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. અહીં એક પ્રેમી પંખીડાએ કેનાલના ઊંડા પાણીમાં કૂદીને સામૂહિક આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થાનિક લોકોએ કેનાલના પાણીમાં બે મૃતદેહો તરતા જોતા તુરંત જ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી.
Vadodara Love Couple Suicide : એકબીજાનો સાથ ન છૂટે તે માટે ઓઢણીથી બાંધ્યા
આ ઘટનામાં સૌથી ચોંકાવનારી અને કરુણ બાબત એ સામે આવી છે કે, યુવક અને યુવતીએ મરતા પહેલા એકબીજાને ઓઢણી વડે મજબૂત રીતે બાંધી દીધા હતા. મૃત્યુ પછી પણ એકબીજાનો સાથ ક્યારેય ન છૂટે તેવા ઈરાદા સાથે આ યુગલે કેનાલમાં મોતની છલાંગ લગાવી હતી. પ્રાથમિક અંદાજ મુજબ મૃતક યુવક અને યુવતીની ઉંમર આશરે ૨૫ થી ૩૦ વર્ષની હોવાનું જણાઈ રહ્યું છે.
જરોદ પોલીસ દ્વારા ઓળખ અને તપાસની તજવીજ
આ ઘટના જરોદ પોલીસ મથકની હદમાં બની હોવાથી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે પંચનામું કરી બંનેના શબને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે.
હાલમાં આ યુગલ ક્યાંનું વતની છે અને તેમના પરિવારજનો કોણ છે તે દિશામાં પોલીસે ઓળખની કાર્યવાહી તેજ કરી છે. પ્રાથમિક અનુમાન મુજબ પ્રેમ પ્રકરણમાં જ આ અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા સેવાઈ રહી છે, પરંતુ સાચું કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના વિવાદમાં જુહાપુરામાં યુવકની કરપીણ હત્યા

