ગુજરાતમાં ગરમીનો પારો આસમાને, હવામાન વિભાગ દ્વારા ‘યલો એલર્ટ’ જાહેર, જાણો AMC ની એડવાઈઝરી

Yellow Alert Heatwave :

Yellow Alert Heatwave : ગુજરાતમાં ઉનાળાએ પોતાનો આકરો મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીના પ્રમાણમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ માટે હવામાન વિભાગે તારીખ ૨૩ એપ્રિલ ૨૦૨૬ થી ૨૯ એપ્રિલ ૨૦૨૬ સુધી ‘યલો એલર્ટ’ (Yellow Alert) જાહેર કર્યું છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન 41°C થી 43°C સુધી પહોંચવાની પ્રબળ શક્યતાઓ છે.

Yellow Alert Heatwave: ગરમીથી સ્વાસ્થ્ય બગડવાની સંભાવના

આકરી ગરમી અને હીટવેવના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી શકે છે. લૂ (Heatstroke) લાગવાના લક્ષણોમાં વધુ પડતો પરસેવો થવો, નબળાઈ લાગવી, માથાનો દુખાવો, ચક્કર આવવા, ચામડી લાલ કે સૂકી થઈ જવી, સ્નાયુઓમાં દુખાવો, તેમજ ઉબકા અને ઉલ્ટી થવાનો સમાવેશ થાય છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરીજનોને ગરમીથી બચવા માટે ખાસ તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

AMC દ્વારા ગરમીથી બચવા માટેની અપીલ અને માર્ગદર્શિકા:

શહેરવાસીઓના સ્વાસ્થ્યની રક્ષા માટે AMC એ કેટલાક મહત્વપૂર્ણ સૂચનો અને એડવાઈઝરી જાહેર કરી છે:

પ્રવાહીનું સેવન વધારો: બહાર જતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખો. દિવસ દરમિયાન પૂરતા પ્રમાણમાં પાણી, લીંબુ શરબત, છાશ અને નાળિયેર પાણીનું સેવન કરવું.

ખોરાકમાં સાવચેતી: તાજા ફળો અને શાકભાજી વધુ ખાવા, જ્યારે તીખું, વધુ પ્રોટીનયુક્ત અને વાસી ખોરાક ટાળવો. ચા, કૉફી અને સોડાવાળા પીણાંનું સેવન ઓછું કરવું.

પહેરવેશ અને બચાવ: બહાર જતી વખતે છત્રી, ટોપી કે સ્કાર્ફનો ઉપયોગ કરવો. આછા રંગના અને ઢીલા સુતરાઉ કપડાં પહેરવાનો આગ્રહ રાખવો.

તડકાથી બચો: લાંબા સમય સુધી સીધા તડકામાં ન રહેવું. કામ દરમિયાન વિરામ લઈને ઠંડકવાળા સ્થળે આરામ કરવો.

ખાસ કાળજી: નાના બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓનું ગરમીના આ દિવસોમાં વિશેષ ધ્યાન રાખવું.

આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના વિવાદમાં જુહાપુરામાં યુવકની કરપીણ હત્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *