Bengal Tamil Nadu Assembly Election: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા અને તમિલનાડુ વિધાનસભાની તમામ બેઠકો પર ગુરુવારે બમ્પર મતદાન નોંધાયું છે. ભીષણ ગરમી અને કેટલાક છૂટાછવાયા હિંસાના બનાવો વચ્ચે પણ બન્ને રાજ્યોના મતદાતાઓએ લોકશાહીના આ પર્વમાં ભારે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
Bengal Tamil Nadu Assembly Election : પશ્ચિમ બંગાળમાં વોટિંગના તમામ રેકોર્ડ તૂટ્યા
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં 152 બેઠકો માટે મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. રાજ્ય ચૂંટણી પંચના આંકડા મુજબ, બંગાળમાં સાંજે 6 વાગ્યા સુધીમાં આશ્ચર્યજનક રીતે 91.74% મતદાન નોંધાયું હતું, જે રાજ્યના તાજેતરના ચૂંટણી ઈતિહાસમાં સૌથી વધુ છે. સૌથી વધુ 93.12% મતદાન દક્ષિણ દિનાજપુર જિલ્લામાં જોવા મળ્યું હતું. જોકે, ચૂંટણી દરમિયાન કેટલાક જિલ્લાઓમાં હિંસા અને ઉમેદવારો પર હુમલાની છૂટક ઘટનાઓ બની હતી, જેના પર ચૂંટણી પંચે અધિકારીઓ પાસે રિપોર્ટ માંગ્યો છે.
Gyanesh Kumar, Chief Election Commissioner of India, says, “Highest ever percentage of polling in West Bengal and Tamil Nadu since Independence – ECI salutes each voter of West Bengal and Tamil Nadu.”
(file pic) pic.twitter.com/6kssjsXVvO
— ANI (@ANI) April 23, 2026
તમિલનાડુની તમામ 234 બેઠકો પર શાંતિપૂર્ણ મતદાન
બીજી તરફ, તમિલનાડુ વિધાનસભાની તમામ 234 બેઠકો માટે પણ સવારથી જ કડક સુરક્ષા વચ્ચે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાંજે 5 વાગ્યા સુધીના આંકડા મુજબ તમિલનાડુમાં 82.24% અને અંતિમ આંકડા મુજબ 84.24% વોટિંગ નોંધાયું હતું. નિર્ધારિત સમય પૂરો થયા બાદ પણ કતારમાં ઉભેલા લોકોને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન, પૂર્વ સીએમ એડપ્પડી કે પલાનીસ્વામી અને અન્ય ટોચના નેતાઓએ વહેલી સવારે જ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
તમિલનાડુમાં ત્રિપાંખિયો જંગ
નોંધનીય છે કે, તમિલનાડુમાં આ વખતે મુખ્ય મુકાબલો સત્તારૂઢ પાર્ટી DMK, મુખ્ય વિપક્ષ AIADMK અને અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની આગેવાનીવાળી ‘તમિલાગા વેત્રી કઝગમ’ (TVK) વચ્ચે જોવા મળી રહ્યો છે.

