Indian Embassy Saudi Arabia Advisory: રવિવાર, 25 ઓક્ટોબર, 2026ના રોજ સાઉદી અરેબિયામાં સ્થિત ભારતીય દૂતાવાસ (એમ્બેસી) દ્વારા ત્યાં વસતા તમામ ભારતીય નાગરિકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને કડક એડવાઈઝરી જારી કરવામાં આવી છે. સ્થાનિક કાયદાઓનું કડક પાલન કરવા અને નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને આ સૂચના બહાર પાડવામાં આવી છે. સાઉદી સિવિલ ડિફેન્સ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકાને ટાંકીને ભારતીય દૂતાવાસે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ વ્યક્તિએ મિસાઈલ કે ડ્રોન હુમલાના વીડિયો પોતાના મોબાઈલમાં બનાવવા નહીં. જો કોઈ પણ નાગરિક આ સુરક્ષા નિયમનો ભંગ કરશે, તો તેણે સ્થાનિક પોલીસ અને પ્રશાસન તરફથી આકરી કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
The Indian community residing in Saudi Arabia is requested to abide by local rules and regulations. ⬇️
— India in Saudi Arabia (@IndianEmbRiyadh) October 25, 2026
હાલમાં મધ્ય પૂર્વના દેશોમાં તણાવ સતત વધી રહ્યો છે, ખાસ કરીને યમનના હુતી બળવાખોરો દ્વારા સાઉદી અરેબિયાના નાગરિક વિસ્તારો અને માળખાગત સુવિધાઓ પર ડ્રોન તેમજ મિસાઈલ હુમલા કરવામાં આવી રહ્યા છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાઉદીની તમામ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. ભારતીય એમ્બેસીએ સોશિયલ મીડિયા પર નોટિસ શેર કરી ચેતવણી આપી છે કે હવામાં મિસાઈલ કે ડ્રોનને તોડી પાડવાની ઘટનાઓનું ફિલ્માંકન કરવું એ મોટો ગુનો છે. આ ઉપરાંત, હુમલાના સ્થળ કે ક્રેશ સાઈટની માહિતી સોશિયલ મીડિયા પર પ્રસારિત કરવી પણ ગેરકાયદેસર છે.
Indian Embassy Saudi Arabia Advisory: ભારતથી સાઉદી જતી ફ્લાઈટ્સ રદ, મુસાફરો અટવાયા
આ તંગ પરિસ્થિતિની સીધી અસર હવાઈ મુસાફરી પર પણ પડી છે. ભારતીય મિશન દ્વારા એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ્સના સમયપત્રક અંગે મહત્વની જાણકારી અપાઈ છે. સત્તાવાર માહિતી અનુસાર, રિયાધ અને દમ્મામ માટે ઉડાન ભરતી અને ત્યાંથી ભારત આવતી તમામ ફ્લાઇટ્સ આગામી 7 નવેમ્બર, 2026 સુધી સંપૂર્ણપણે સ્થગિત કરી દેવામાં આવી છે. બીજી તરફ, જેદ્દાહ શહેર માટે જતી અને ત્યાંથી આવતી ફ્લાઇટ્સ 31 ઓક્ટોબર, 2026 સુધી રદ કરવામાં આવી છે. મુસાફરોને પોતાની યાત્રા અંગે એરલાઈન્સના સતત સંપર્કમાં રહેવા અપીલ કરવામાં આવી છે.

