Bengal Assembly Dissolved : પશ્ચિમ બંગાળ (West Bengal) વિધાનસભા ચૂંટણી પરિણામો બાદ ચાલી રહેલા હાઈવોલ્ટેજ પોલિટિકલ ડ્રામાનો આખરે અંત આવ્યો છે. બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (BJP) ની પ્રચંડ જીત અને કારમી હાર છતાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના (Mamata Banerjee) રાજીનામું આપવાના સ્પષ્ટ ઇનકાર વચ્ચે, રાજ્યપાલ આર.એન. રવિએ (Governor RN Ravi) એક મોટો અને ઐતિહાસિક બંધારણીય નિર્ણય લીધો છે. ૭ મેના રોજ મધ્યરાત્રિએ રાજ્યપાલે પશ્ચિમ બંગાળ વિધાનસભા ઔપચારિક રીતે ભંગ કરી દીધી છે અને મમતા બેનર્જીની સંપૂર્ણ કેબિનેટને તાત્કાલિક અસરથી બરતરફ કરી છે.
Bengal Assembly Dissolved : “હું રાજીનામું નહીં આપું…” મમતા બેનર્જીની હઠ
ચૂંટણીમાં પરાજય બાદ ૭૧ વર્ષીય મમતા બેનર્જીએ EVM માં ગરબડ અને મતોની લૂંટનો આરોપ લગાવીને પદ છોડવાની ના પાડી દીધી હતી. તેઓ “મને બરતરફ કરો, પણ હું મારી જાતે રાજીનામું નહીં આપું” તેવા વલણ પર અડગ રહ્યા હતા. જોકે, ૭ મે ના રોજ તેમની સરકારનો ૫ વર્ષનો કાર્યકાળ કાયદેસર રીતે પૂરો થતો હોવાથી, રાજ્યપાલ આર.એન. રવિ પાસે અન્ય કોઈ વિકલ્પ ન હતો. રાજ્યપાલે ભારતીય બંધારણની કલમ 174 (2)(b) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને વિધાનસભાનું વિસર્જન કર્યું છે.
અમિત શાહ પહોંચશે કોલકાતા, સરકાર રચવાની કવાયત તેજ
રાજ્યપાલના આ નિર્ણય સાથે જ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના શાસનનો સત્તાવાર અંત આવ્યો છે અને હવે ભાજપ રાજ્યમાં પોતાની પ્રથમ સરકાર બનાવવા જઈ રહી છે. નવા મુખ્યમંત્રીનો ચહેરો કોણ હશે, તે નક્કી કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) શુક્રવારે કોલકાતા પહોંચી રહ્યા છે. તેમની અધ્યક્ષતામાં ભાજપના નવનિર્વાચિત ધારાસભ્યોની બેઠક યોજાશે, જેમાં વિધાયક દળના નેતાની પસંદગી કરવામાં આવશે.
૯ મેના રોજ બ્રિગેડ ગ્રાઉન્ડમાં શપથ ગ્રહણ
રવીન્દ્રનાથ ટાગોરની જન્મજયંતિના પવિત્ર અવસરે એટલે કે ૯ મે (શનિવાર) ના રોજ કોલકાતાના ઐતિહાસિક બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે ભાજપ સરકારનો ભવ્ય શપથ ગ્રહણ સમારોહ યોજાશે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય ભાજપશાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજર રહે તેવી પૂરી શક્યતા છે.
ચૂંટણી પછીની હિંસાનો સિલસિલો યથાવત
બીજી તરફ, પરિણામો બાદ બંગાળમાં હિંસાની આગ ભડકી ઉઠી છે. જેમાં મધ્યમગ્રામમાં શુભેન્દુ અધિકારીના અત્યંત નજીકના PA ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા કરવા સહિત રાજ્યભરમાં ૫ થી વધુ લોકોના મોત નીપજ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાજ્યમાં સેન્ટ્રલ ફોર્સનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

