Gujarat Heatwave Alert : ગુજરાત હાલ ભીષણ હીટવેવ (Heatwave) તરફ આગળ વધી રહ્યું છે. આકાશમાંથી જાણે અગનજવાળાઓ વરસી રહી હોય તેવો અહેસાસ નાગરિકો કરી રહ્યા છે. હવામાન વિભાગે (IMD) આગામી સાત દિવસ માટે કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ‘યલો એલર્ટ’ (Yellow Alert) જાહેર કર્યું છે.
Gujarat Heatwave Alert : ગરમી વધવાનું મુખ્ય કારણ શું છે?
હવામાન અધિકારીઓના જણાવ્યા અનુસાર, રાજસ્થાન થઈને સિંધ અને બલૂચિસ્તાનના રણ પ્રદેશોમાંથી આવતા ગરમ અને સૂકા પવનો રાજ્ય પર સીધી અસર કરી રહ્યા છે. જેના કારણે સમગ્ર ગુજરાતમાં તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. IMD ની આગાહી મુજબ, આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં તાપમાનનો પારો હજુ 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઉંચકાય તેવી પૂરી સંભાવના છે. ખાસ કરીને અમદાવાદમાં ગરમીનો પારો 45 થી 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે.
કયા વિસ્તારોમાં ક્યારે રહેશે હીટવેવ?
શનિવારે સુરેન્દ્રનગર, રાજકોટ, દ્વારકા અને કચ્છમાં આકરા હીટવેવની શક્યતા છે. જ્યારે રવિવારથી ઉત્તર ગુજરાત, અમદાવાદ-ગાંધીનગર, આણંદ સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 13 મે સુધી અસહ્ય ગરમીનો સામનો લોકોને કરવો પડી શકે છે.
અમદાવાદમાં આધુનિક ટેકનોલોજીથી 45 હોટસ્પોટ નક્કી કરાયા
અમદાવાદ શહેરમાં પ્રચંડ ગરમીનો કોપ વર્તાઇ રહ્યો છે ત્યારે, નાગરિકોને ગરમીથી બીમાર પડતા રોકવા માટે તંત્રએ એક સંસ્થા સાથે ભાગીદારી કરી છે. આ સંસ્થા સેટેલાઇટની મદદથી લેન્ડ સરફેસ ટેમ્પ્રેચર ડેટા મેળવે છે. ત્યારબાદ, એડવાન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગ આધારિત એલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને 30×30 મીટરના પિક્સેલ સ્તરે એર ટેમ્પ્રેચર ડેટાનું વિશ્લેષણ કરવામાં આવે છે. આ આધુનિક વિશ્લેષણથી એ નક્કી થાય છે કે શહેરના કયા વિસ્તારમાં સૌથી વધુ ગરમી પડશે, જેને ‘હોટસ્પોટ’ તરીકે નિર્ધારિત કરવામાં આવે છે.
શહેરના આ વિસ્તારોમાં ગરમી ગાભા કાઢી નાખશે
AI ડેટાના આધારે આગામી 7 દિવસ માટે અમદાવાદના ઉત્તર-પશ્ચિમ, પશ્ચિમ, દક્ષિણ-પશ્ચિમ, ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ઝોનના 45 વિસ્તારોને ‘હોટસ્પોટ’ જાહેર કરાયા છે. આગામી 7 દિવસ સુધી આ વિસ્તારો સહિત સમગ્ર શહેરમાં 43 થી 46 ડિગ્રી જેટલું ઉંચુ તાપમાન રહેવાની શક્યતા છે. આગામી 5 દિવસ માટે શહેરમાં યલો એલર્ટ છે, જ્યારે 13 અને 14 મેના રોજ કાળઝાળ હીટવેવની આગાહી કરવામાં આવી છે.
સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો: થલતેજ, ગોતા, બોડકદેવ, સરખેજ, મક્તમપુરા, ચાંદખેડા, સરદારનગર, નરોડા, રામોલ-હાથીજણ, ઇન્ડિયા કોલોની, અમરાઈવાડી, ઓઢવ, વસ્ત્રાલ, લાંભા, વટવા, ઇસનપુર અને બહેરામપુરા.
રાજ્યમાં ગઈકાલે નોંધાયેલું તાપમાન (ડિગ્રી સેલ્સિયસમાં):
અમદાવાદ: 43.1 (સામાન્ય કરતા 1.6 ડિગ્રી વધુ)
ગાંધીનગર: 42.8
રાજકોટ: 42.8
અમરેલી: 42.7
ડીસા: 41.8
વડોદરા: 41.6
ભુજ: 41.2
કંડલા: 40.5 (સામાન્ય કરતા 4.1 ડિગ્રી વધુ)
ભાવનગર: 40.0
સુરત: 37.6
આ પણ વાંચો: ગુજરાતમાં ડમ્પિંગ સાઈટ પર લાગતી આગને રોકવા સરકાર એક્શનમાં: હવે દરેક કચરાના ડેપો પર તૈનાત રહેશે ‘ફાયર ચોકી’

