Navsari Fake Gold Loan Scam નવસારી જિલ્લાના જલાલપોર વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં એક ચોંકાવનારું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. કેટલાક શખ્સોએ બેંકના જ અધિકૃત ગોલ્ડ વેલ્યુઅર (સોનાની પરખ કરનાર) સાથે મળીને નકલી સોનાના દાગીના ગીરવે મૂક્યા હતા અને તેના આધારે લાખો રૂપિયાની ગોલ્ડ લોન મેળવી લીધી હતી. બેંકના ઓડિટ દરમિયાન આ આખા રેકેટનો પર્દાફાશ થતાં પોલીસે ૪ લોન લેનારા ગ્રાહકો અને ૧ વેલ્યુઅર સહિત કુલ ૫ લોકો સામે છેતરપિંડી અને કાવતરાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Navsari Fake Gold Loan Scam વેલ્યુઅરની મિલીભગતથી મંજૂર થઈ લોન
આ કૌભાંડની વિગત એવી છે કે બેંક દ્વારા સોનાની શુદ્ધતા ચકાસવા માટે જે અધિકૃત વેલ્યુઅરની નિમણૂક કરવામાં આવી હતી, તેણે જ ખોટું સર્ટિફિકેટ આપ્યું હતું. આરોપી ગ્રાહકો જ્યારે નકલી સોનું લઈને બેંકમાં આવ્યા, ત્યારે આ વેલ્યુઅરે દાગીના અસલી હોવાનું પ્રમાણપત્ર અને એપ્રેઝલ મેમો જારી કરી દીધો હતો. આ ખોટા રિપોર્ટના આધારે બેંક સત્તાવાળાઓએ અંદાજે ૫૩૫ ગ્રામ દાગીના સામે કુલ ₹18.49 લાખ ની ગોલ્ડ લોન મંજૂર કરી દીધી હતી.
રૂટિન ઓડિટમાં પાપ છાપરે ચડીને પોકાર્યું
આ આખી ઘટનાનો ખુલાસો ત્યારે થયો જ્યારે બેંકની પ્રાદેશિક કચેરી (Regional Office) દ્વારા લોન ખાતાઓની નિયમિત ઓડિટ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. રી-વેલ્યુએશન દરમિયાન પ્રાદેશિક વેલ્યુઅરને આ દાગીનાની અસલિયત પર શંકા ગઈ હતી. ત્યારબાદ શંકાસ્પદ દાગીનાને નવસારીની સ્થાનિક ટેસ્ટિંગ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા, જ્યાં રિપોર્ટમાં ખુલાસો થયો કે ગીરવે મૂકેલા દાગીનામાં સોનાનું તત્વ જ નહોતું અને તે તદ્દન નકલી હતા.
વ્યાજ સાથે આંકડો ₹21 લાખને પાર
કૌભાંડ બહાર આવ્યા બાદ બેંક દ્વારા લોનની રકમ રિકવર કરવા માટે આરોપી ગ્રાહકો અને વેલ્યુઅરને નોટિસો ફટકારવામાં આવી હતી. લાંબો સમય વીતી જવા છતાં અને વ્યાજ ઉમેરાતા આ આંકડો ₹21.39 લાખ પર પહોંચી ગયો હતો. આરોપીઓ તરફથી કોઈ સંતોષકારક જવાબ કે નાણાં ન મળતા આખરે બેંક મેનેજમેન્ટ દ્વારા પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે કડક તપાસ શરૂ કરીને આરોપીઓની અટકાયત કરવાની ચક્રો ગતિમાન કર્યા
છે.

