ઓમાન તટે વધુ એક ભારતીય જહાજ ‘MT જલવીર’ પર હુમલો, 3 ભારતીયના મોત

Hormuz Strait Blockade News

MT Jalveer : અમેરિકા અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલું યુદ્ધ હવે સંપૂર્ણપણે બેકાબૂ થઈ ગયું છે. ઓમાન દરિયાકાંઠે ૨૪ કલાકની અંદર વધુ એક કમર્શિયલ જહાજ પર ભયાનક હુમલો થતાં આંતરરાષ્ટ્રીય સ્તરે સનાટો વ્યાપી ગયો છે. ઓમાનના શિનાસ બંદર (Shinas Port) પાસે ભારતીય ક્રૂ મેમ્બર્સ ધરાવતા ‘MT જલવીર’ (MT Jalveer) નામના જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. સામે આવેલી તસવીરો અને વીડિયોમાં આ વિશાળ જહાજ સમુદ્રની અધવચ્ચે ભડભડ સળગતું જોઈ શકાય છે. ઓમાનમાં આવેલી ભારતીય એમ્બેસીએ આ હુમલાની સત્તાવાર પુષ્ટિ કરીને સ્થાનિક વહીવટી તંત્ર સાથે મળીને હાઈ-લેવલ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. મિડલ ઈસ્ટમાં છેલ્લા ૪ દિવસની અંદર આ ત્રીજા જહાજ પર થયેલો મોટો હુમલો છે.

MT Jalveer : અમેરિકી હુમલામાં ગુમ થયેલા ત્રણેય ભારતીય ક્રૂ મેમ્બર્સના મોત 

આ નવા હુમલાની વચ્ચે ગઈકાલે (૧૦ જૂન) ઓમાન તટે જ પલાઉ ફ્લેગ ધરાવતા ઓઈલ ટેન્કર ‘MT સેટેબિલો’ (MT Settebello) પર અમેરિકી વાયુસેના દ્વારા કરાયેલા પ્રચંડ હુમલાને લઈને મોટા અને દુઃખદ સમાચાર આવ્યા છે. કેન્દ્રીય શિપિંગ મંત્રી સર્બાનંદ સોનોવાલે ગુરુવારે સત્તાવાર જાહેરાત કરી છે કે, અમેરિકાના આ મિલિટરી સ્ટ્રાઈકમાં ગુમ થયેલા ત્રણેય ભારતીય ક્રૂ મેમ્બર્સના કરુણ મોત નીપજ્યા છે અને તેમાંથી ૨ ભારતીયોના મૃતદેહ પણ મળી આવ્યા છે. આ જહાજ પર કુલ ૨૪ ભારતીય સવાર હતા, જેમાંથી ૨૧ ને ઓમાન નૌસેનાએ જીવતા બચાવી લીધા હતા.

અમેરિકાના આ કૃત્યથી ભારત સરકાર અત્યંત લાલચોળ થઈ ગઈ છે. ભારતના વિદેશ મંત્રાલયે નવી દિલ્હીમાં અમેરિકાના ડેપ્યુટી ચીફ ઓફ મિશન (કાર્યવાહક રાજદૂત) જેસન મીક્સને તાત્કાલિક સાઉથ બ્લોક ખાતે સમન્સ પાઠવીને તલબ કર્યા હતા. ભારતે અમેરિકી સેના દ્વારા કમર્શિયલ જહાજ પર કરાયેલા આ હુમલા સામે અત્યંત કડક શબ્દોમાં પોતાનો સત્તાવાર વિરોધ (Strong Protest) નોંધાવ્યો છે અને નિર્દોષ ભારતીય નાગરિકોના મોત અંગે અમેરિકા પાસે જવાબ માંગ્યો છે.

ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સંપૂર્ણપણે બંધ કર્યું, મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધની સ્થિતિ 

અમેરિકાના વધતા જતા આક્રમણ અને આજના હુમલા બાદ ઈરાને પણ દુનિયાને હચમચાવી દેનારો મોટો નિર્ણય લીધો છે. ઈરાનના હથિયારધારી દળો અને પર્સિયન ગલ્ફ સ્ટ્રેટ ઓથોરિટી (PGSA) એ સત્તાવાર જાહેરાત કરી છે કે, વૈશ્વિક તેલ વ્યાપાર માટે સૌથી મહત્વપૂર્ણ ગણાતો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ (Strait of Hormuz) માર્ગ ‘અનિશ્ચિતકાળ’ માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે. ઈરાને ચેતવણી આપી છે કે આ માર્ગ પરથી પસાર થવાનો પ્રયાસ કરનારા કોઈપણ દેશના જહાજ પર ઈરાની સેના સીધો મિસાઈલ મારો કરશે. જોકે, અમેરિકાએ આ દાવો નકારી કાઢ્યો છે.

બીજી તરફ, ઈરાન દ્વારા ગઈકાલે રાત્રે બહેરીન, જોર્ડન અને કુવૈત પર કરાયેલા મિસાઈલ હુમલા બાદ સાઉદી અરેબિયા, રશિયા અને તુર્કી જેવા દેશો એક્શનમાં આવ્યા છે. રશિયા અને તુર્કીએ અમેરિકા અને ઈરાનને તાત્કાલિક હુમલા રોકીને વાટાઘાટોના ટેબલ પર આવવા અપીલ કરી છે, જ્યારે સાઉદી અરેબિયાએ પાકિસ્તાન અને કતારની મધ્યસ્થતા (Mediation) હેઠળ તાત્કાલિક યુદ્ધવિરામ માટેની શાંતિ વાર્તા શરૂ કરવાની માંગ કરી છે. આ યુદ્ધના કારણે વૈશ્વિક અર્થતંત્ર અને ક્રૂડ ઓઈલના ભાવો પર બહુ મોટી નકારાત્મક અસર પડવાની પૂરેપૂરી દહેશત છે.

આ પણ વાંચો: અમદાવાદના વિશાલા પાસે ફતેવાડીમાં ભીષણ આગ: સ્લમ વિસ્તારમાં 60 ઝૂંપડાં બળીને ખાખ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *