Passport Fee Hike 2026 કેન્દ્ર સરકારે લગભગ 14 વર્ષના લાંબા સમયગાળા બાદ પાસપોર્ટ ફીમાં (Passport Fees) મોટો વધારો કરવાની જાહેરાત કરી છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા પાસપોર્ટ (સંશોધન) નિયમો, 2026 હેઠળ આ નવી ફીનું માળખું જાહેર કરવામાં આવ્યું છે. આ સુધારેલા દરો 1 જુલાઈ, 2026 કે ત્યાર પછી સબમિટ થનારી તમામ અરજીઓ પર લાગુ થશે.
Passport Fee Hike 2026 સામાન્ય અને તત્કાલ યોજનાના નવા દરો
નવા નિયમો અનુસાર, 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના અરજદારો માટે 36 પેજના નવા અથવા રી-ઇશ્યૂ થનારા પાસપોર્ટની કિંમત સામાન્ય યોજના હેઠળ ₹1,500 થી વધારીને ₹2,500 કરવામાં આવી છે. જ્યારે તત્કાલ યોજના હેઠળ (Tatkal Scheme) આ ફી ₹3,500 થી વધારીને ₹5,000 કરી દેવાઈ છે. આ જ રીતે, 60 પેજના પાસપોર્ટ માટે સામાન્ય કેટેગરીમાં ₹2,000 ને બદલે ₹3,500 અને તત્કાલ યોજના હેઠળ ₹4,000 ના બદલે હવે ₹6,000 ચૂકવવા પડશે.
માઇનર અને ખોવાયેલા પાસપોર્ટના નિયમો (Replacement and Minor Passport Fees)
18 વર્ષથી ઓછી ઉંમરના (Minors) અરજદારો માટે 36 પેજના પાસપોર્ટની ફી સામાન્યમાં ₹1,750 અને તત્કાલમાં ₹4,250 રહેશે. જો પાસપોર્ટ ખોવાઈ કે ડેમેજ થઈ જાય, તો 36 પેજના નવા પાસપોર્ટ માટે સામાન્ય યોજનામાં ₹5,000 અને તત્કાલમાં ₹7,500 ચૂકવવા પડશે.
આ ઉપરાંત પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC) અને સરેન્ડર સર્ટિફિકેટની ફી ભારતમાં ₹750 નક્કી કરવામાં આવી છે.
પાસપોર્ટ નાગરિકતાનો પુરાવો નથી (Travel Document vs Citizenship Proof)
આ સુધારેલા ફી માળખાની જાહેરાત વિદેશ મંત્રાલયના એ નિવેદનના બરાબર એક દિવસ પછી આવી છે, જેમાં સ્પષ્ટ કરાયું હતું કે પાસપોર્ટ એ મુખ્યત્વે વિદેશ યાત્રા માટેનો એક દસ્તાવેજ (Travel Document) છે, તે ભારતીય નાગરિકતાનો અકાટ્ય પુરાવો નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા છેલ્લે વર્ષ 2012માં પાસપોર્ટ ફીમાં સુધારો કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: પાસપોર્ટ કે આધાર નહીં, તો ભારતની નાગરિકતાનો અસલી પુરાવો કયો? જાણો

