ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નૂતન વર્ષની ઉજવણી અનોખી ધાર્મિક પરંપરા સાથે કરવામાં આવી હતી. દિવાળીના બીજા દિવસે ભગવાન રાજા રણછોડરાયને ૧૫૧ મણનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મંદિર દ્વારા આસપાસનાં ૮૦ જેટલાં ગામના લોકોને અન્નકૂટની પ્રસાદી લૂંટવા માટે આમંત્રણ આપવામાં આવતાં ગામેગામથી મોટી સંખ્યામાં લોકો ડાકોર ઉમટી પડ્યા હતા. મંદિરના દ્વાર ખુલતાની સાથે જ અન્નકૂટની પ્રસાદી મેળવવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

વર્ષોથી ચાલી આવતી આ પરંપરા અંતર્ગત વહેલી સવારે ભગવાનની મંગળા આરતી બાદ કેસર સ્નાન કરાવી વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બપોરના સમયે મંદિરના દ્વાર બંધ કરી ભગવાન રાજા રણછોડરાયની સન્મુખ ૧૫૧ મણનો અન્નકૂટ તૈયાર કરી ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટમાં બુંદી, ભાત, વિવિધ પ્રકારની મીઠાઈઓ, રાજભોગ સહિતની અનેક વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
Dakor Annakutotsav: ૮૦ ગામના લોકોને અપાય છે પ્રસાદી માટે આમંત્રણ
આ અન્નકૂટ ઉત્સવની ખાસિયત એ છે કે મંદિર દ્વારા આસપાસનાં ૮૦ જેટલાં ગામના લોકોને પરંપરાગત રીતે આમંત્રણ આપવામાં આવે છે. સૌપ્રથમ ભગવાનની સન્મુખ ગોવર્ધન પર્વતની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ અન્નકૂટ ધરાવવાની વિધિ પૂર્ણ કરવામાં આવે છે. મંદિરના મુખ્ય દ્વાર ખુલતાની સાથે જ બહાર આતુરતાથી રાહ જોઈ રહેલા લોકો અન્નકૂટની પ્રસાદી લૂંટવા માટે ઉમટી પડે છે. પ્રસાદી મેળવ્યા બાદ લોકો તેને પોતાના ઘરે લઈ જાય છે અને પરિવારજનો તેમજ સગાં-સંબંધીઓમાં વહેંચે છે.

