હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં કાર 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા 4 લોકોના મોત,જુઓ વીડિયો

Chamba Car Accident

Chamba Car Accident : હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાંથી એક અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. અહીંના ચુરાહ ઉપમંડળ (સબ-ડિવિઝન) માં એક મારુતિ અલ્ટો કાર બેકાબૂ થઈને આશરે 300 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી છે. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર ત્રણ મહિલાઓ સહિત કુલ ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

Chamba Car Accident : મોડી રાત્રે સર્જાયો અકસ્માત, સવારે જાણ થઈ

મળતી માહિતી મુજબ, આ દર્દનાક અકસ્માત નકરોડ-હિંગિરી માર્ગ પર ડેમ સાઇડ નજીક મોડી રાત્રે સર્જાયો હતો. કાર ચાલકે વાહન પરથી નિયંત્રણ ગુમાવી દેતાં અલ્ટો કાર રોડ પરથી સરકીને સીધી બૈરા સ્યૂલ નદીની ખીણમાં જઈ પડી હતી. રાતનો સમય હોવાથી અકસ્માતની કોઈને જાણ થઈ ન હતી. વહેલી સવારે જ્યારે સ્થાનિક લોકોની નજર ખીણમાં પડી ત્યારે આ ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ તીસા પોલીસ સ્ટેશનના પ્રભારી, વહીવટી તંત્ર અને અગ્નિશમન વિભાગની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સ્થાનિક લોકોની મદદથી ઊંડી ખીણમાંથી મૃતદેહોને બહાર કાઢવાનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું.

મૃતકોની ઓળખ અને તપાસ

પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે અકસ્માતનો ભોગ બનેલા ચારેય લોકો ચુરાહ ઉપમંડળની ગ્રામ પંચાયત ટીકરીગઢના રહેવાસી હતા. પોલીસ દ્વારા મૃતકોની ચોક્કસ ઓળખ અને આ વાહન અંગેની સત્તાવાર પુષ્ટિ મેળવવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. પહાડી રસ્તાઓ પર વાહન પરથી કંટ્રોલ ગુમાવવાને કારણે આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવા મળ્યું છે. હાલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા છે.

આ પણ વાંચો: સામાજિક કાર્યકર મિત્તલ પટેલને મુંબઈમાં અપાયો ‘વુમન ઓફ ધ યર’ એવોર્ડ, અભિનેત્રી જુહી ચાવલાના હસ્તે સન્માન

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *