Gujarat ATS Action :અમદાવાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાના આયોજન પૂર્વે ગુજરાત ATS (Anti-Terrorist Squad) દ્વારા પાટણ જિલ્લાના સિદ્ધપુર (Siddhpur) માં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મળેલી બાતમીના આધારે ATS ની ટીમે શંકાસ્પદ ગતિવિધિઓ બદલ 5 વ્યક્તિઓની અટકાયત કરી છે, જેમના તાર આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ (JeM) સાથે જોડાયેલા હોવાની આશંકા સેવાઈ રહી છે.
Gujarat ATS Action સુરક્ષા એજન્સીઓ એલર્ટ મોડ પર
રથયાત્રાને લઈને સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા પહેલેથી જ કડક કરી દેવામાં આવી છે. આ દરમિયાન મળેલી ગુપ્ત માહિતીના આધારે ATS ની ટીમોએ સિદ્ધપુરના શંકાસ્પદ વિસ્તારોમાં દરોડા પાડીને આ 5 શખ્સોને પકડી પાડ્યા છે. પ્રાથમિક તપાસમાં આ શખ્સોના સંપર્કો અને તેઓ શું કાવતરું રચી રહ્યા હતા, તેની ગહન તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીને રથયાત્રાની સુરક્ષા સાથે જોડીને જોવામાં આવી રહી છે.
શું છે સમગ્ર મામલો?
સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા શંકાસ્પદો સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા આતંકવાદી વિચારધારા ધરાવતા સંગઠનો સાથે સંપર્કમાં હતા. ATS હવે આ શખ્સોના કોલ ડિટેલ્સ અને અન્ય ડિજિટલ પુરાવાઓની ચકાસણી કરી રહી છે. રથયાત્રા જેવા સંવેદનશીલ પ્રસંગ પહેલાં કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સતર્ક છે. પાટણના આ ઓપરેશન બાદ સમગ્ર રાજ્યની સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે અને સંવેદનશીલ સ્થળો પર પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો: અમદાવાદ રથયાત્રા સુરક્ષા: 30 હજાર પોલીસ અને 65 ડ્રોનથી રહેશે બાજ નજર

