Girnar Lion Attack : જૂનાગઢમાં ગિરનાર (Girnar) પર્વત પર શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. ગિરનારના મુખ્ય પગથિયાં પાસે વનરાજના આતંકનો એક અત્યંત કરુણ કિસ્સો સામે આવ્યો છે, જેમાં માત્ર 12 વર્ષના નિર્દોષ બાળકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટનાએ ગિરનાર પર્વત પરની સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
Girnar Lion Attack : પરિવારની નજર સામે સિંહ ઉપાડી ગયો
પ્રાપ્ત વિગતો અનુસાર, બનાસકાંઠાથી આવેલો એક પરિવાર ગિરનાર પર્વત પર દર્શન કરવા માટે નીકળ્યો હતો. પરિવાર સાથે તેમનો 12 વર્ષીય પુત્ર પણ હતો. મુખ્ય પગથિયાં ચડતી વખતે માંડ 50 પગથિયાં જ પરિવાર પહોંચ્યો હતો, ત્યાં જ અંધારાનો લાભ લઈને જંગલમાંથી ધસી આવેલા એક સિંહે (Asiatic Lion) બાળક પર તરાપ મારી હતી. સિંહ એટલી ઝડપથી આવ્યો કે પરિવારજનો કંઈ સમજે તે પહેલા જ બાળકને જડબામાં પકડીને ગીચ જંગલ વિસ્તારમાં ખેંચી ગયો હતો. પોતાના સંતાનને નજર સમક્ષ સિંહના મુખમાં જતું જોઈ પરિવારજનોએ કરેલી ચીસાચીસથી સમગ્ર ગિરનાર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો.
સર્ચ ઓપરેશન અને વન વિભાગની કામગીરી
ઘટનાની જાણ થતાં જ વન વિભાગ (Forest Department) અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વન વિભાગની ટીમો દ્વારા જંગલમાં તપાસ હાથ ધરતા બાળકના કપડાં, બૂટ અને શરીરના કેટલાક અવશેષો મળી આવ્યા હતા, જે ઘટનાની ગંભીરતાને સ્પષ્ટ કરે છે. આ કરુણ બનાવ બાદ તંત્ર દ્વારા ગિરનારની મુખ્ય સીડીવાળો માર્ગ તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો છે. ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેમને જટાશંકર નજીકના જૂના માર્ગનો ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે. વન વિભાગ દ્વારા સિંહને પકડવા માટે અલગ-અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે અને ઘટનાસ્થળની આસપાસ પાંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે. હાલમાં જંગલ વિસ્તારમાં સાવચેતી રાખવા માટે પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે. આ દુર્ઘટનાને કારણે શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ છે અને વન્યપ્રાણીઓના માનવ વસાહત અને અવરજવરના માર્ગો પર વધતા દબાણને લઈને તંત્રની કામગીરી પર પણ ચર્ચા શરૂ થઈ છે.
આ પણ વાંચો: ઊંઝામાં ફૂડ વિભાગના દરોડા: 26 ટન કેમિકલયુક્ત વરિયાળી ઝડપાઈ

