Ahmedabad Rath Yatra Security અમદાવાદની જગવિખ્યાત રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે શહેર પોલીસ દ્વારા સુરક્ષાનું અભેદ્ય કવચ તૈયાર કરવામાં આવ્યું છે. ભગવાન જગન્નાથની આ ભવ્ય યાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની આગેવાનીમાં અત્યાર સુધીનું સૌથી મોટું સુરક્ષા આયોજન કરવામાં આવ્યું છે.
Ahmedabad Rath Yatra Security : 30 હજાર પોલીસ જવાનોનો કાફલો
આ વર્ષની રથયાત્રામાં 30,000 થી વધુ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ખડેપગે રહેશે. જેમાં 1,000થી વધુ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુરક્ષા વ્યવસ્થા પર સીધી નજર રાખશે. સંવેદનશીલ વિસ્તારો માટે SRP ની 15 કંપનીઓ અને પેરામિલિટરી ફોર્સની 9 કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. જમાલપુર જગન્નાથ મંદિરથી લઈને સરસપુર સુધીના સમગ્ર રૂટ પર પોલીસ જવાનોનો સખત પહેરો રહેશે.
હાઈ-ટેક સુરક્ષા અને સર્વેલન્સ
આ વર્ષે સુરક્ષામાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે. રથયાત્રા રૂટ પર 65 જેટલા હાઈ-ટેક ડ્રોન આકાશમાંથી દરેક હિલચાલ પર બાજ નજર રાખશે. આ ઉપરાંત, સમગ્ર રૂટ પર CCTV કેમેરાનું સઘન મોનિટરિંગ અને અત્યાધુનિક ‘ફેસ રેકોગ્નિશન ટેક્નોલોજી’ (Face Recognition Technology) નો ઉપયોગ કરીને શંકાસ્પદ વ્યક્તિઓ પર વોચ રાખવામાં આવશે.
11 પોલીસ સ્ટેશનની હદમાં સુરક્ષા
રથયાત્રા કુલ 11 પોલીસ સ્ટેશનની હદમાંથી પસાર થાય છે, જેમાં આવતા સંવેદનશીલ વિસ્તારોમાં મહોલ્લા કમિટીઓ સાથે બેઠક કરીને ભાઈચારાનું વાતાવરણ જાળવવા પ્રયાસ કરવામાં આવ્યા છે. સાયબર સેલને પણ સક્રિય કરી દેવામાં આવ્યું છે, જેથી સોશિયલ મીડિયા પર અફવા ફેલાવનારાઓ પર કડક કાર્યવાહી થઈ શકે. પોલીસ કમિશનરે નાગરિકોને અપીલ કરી છે કે કોઈ પણ અફવા પર વિશ્વાસ ન કરવો અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી. તંત્રની આ સજ્જતા શ્રદ્ધાળુઓમાં સુરક્ષાની ભાવના જગાડે છે અને રથયાત્રાના ભવ્ય આયોજનમાં કોઈ અડચણ ન આવે તેની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે.
આ પણ વાંચો : ગિરનારમાં સિંહનો આતંક! 12 વર્ષના બાળકને ઉપાડી જતાં મોત

