ગુજરાત સરકારનો મોટો નિર્ણય: સરકારી શાળાઓની 10 લાખથી વધુ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકીન

FreeSanitaryNapkins

FreeSanitaryNapkins રાજ્યની સરકારી શાળાઓમાં દીકરીઓની હાજરી વધારવા અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા તથા આરોગ્ય જળવાઈ રહે તે હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્યની સરકારી ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધોરણ 6 થી 12 માં અભ્યાસ કરતી કુલ 10 લાખથી વધુ દીકરીઓ માટે ₹46.68 કરોડના ખર્ચે ‘મફત સેનેટરી નેપકીન વિતરણ’ યોજના મંજૂર કરવામાં આવી છે.

FreeSanitaryNapkins દર મહિને મળશે ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન 

આ વિશેષ યોજના હેઠળ સરકારી શાળાની દરેક વિદ્યાર્થિની દીઠ વાર્ષિક ₹360 ની બજેટ જોગવાઈ કરવામાં આવી છે:

  • પર્યાવરણ અને સ્વાસ્થ્ય સુરક્ષા: દીકરીઓને દર મહિને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ‘ઓક્સો-બાયોડિગ્રેડેબલ સેનેટરી નેપકીન’ વિનામૂલ્યે આપવામાં આવશે.

  • સરળ અને સંકોચમુક્ત વિતરણ: વિદ્યાર્થીનીઓ કોઈપણ સંકોચ કે ખચકાટ વિના આરામદાયક વાતાવરણમાં નેપકીન મેળવી શકે તેવી સુવિધાસભર વ્યવસ્થા શાળા પરિસરમાં જ સુનિશ્ચિત કરવામાં આવશે.

મહિલા શિક્ષક બનશે ‘નોડલ શિક્ષક’: માર્ગદર્શન અને જાગૃતિ 

યોજનાના સફળ અમલીકરણ અને પારદર્શક વિતરણ માટે શિક્ષણ વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી છે:

  • નોડલ અધિકારી તરીકે નિમણૂક: દરેક શાળામાં એક મહિલા શિક્ષકને ‘નોડલ શિક્ષક’ તરીકે વિશેષ જવાબદારી સોંપાશે, જેથી દીકરીઓ તેમની સાથે મુક્ત મને વાત કરી શકે.

  • વૈજ્ઞાનિક માર્ગદર્શન: મહિલા શિક્ષકો દ્વારા વિદ્યાર્થિનીઓને શારીરિક સ્વચ્છતા અને માસિક ધર્મ અંગે વૈજ્ઞાનિક સમજ અપાશે, જેથી ગેરમાન્યતાઓ દૂર થાય અને શિક્ષણ પ્રત્યે તેમનો આત્મવિશ્વાસ વધે.

નારી સશક્તિકરણ અને શિક્ષણમાં સ્થાયીકરણ 

ગુજરાત સરકારનું આ કદમ માત્ર આરોગ્યલક્ષી નથી પરંતુ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના સંકલ્પને સાકાર કરતું ક્રાંતિકારી પગલું છે. ખાસ કરીને ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં માસિક ધર્મના કારણે શાળા છોડી દેતી કે ગેરહાજર રહેતી દીકરીઓ હવે નિયમિત શાળાએ આવી શકશે, જેનાથી ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં અને દીકરીઓના સ્થાયીકરણમાં મોટી સફળતા મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *