CEC જ્ઞાનેશ કુમારને સસ્પેન્ડ કરવાની માંગ પર સુપ્રીમ કોર્ટનો વચગાળાની રાહત આપવાનો ઇનકાર

Supreme Court CEC Gyanesh Kumar

Supreme Court CEC Gyanesh Kumar  સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને પદ પરથી સસ્પેન્ડ કરવાની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર તાત્કાલિક કોઈપણ પ્રકારનો વચગાળાનો આદેશ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. જોકે, સર્વોચ્ચ અદાલતે ચૂંટણી પંચને ઔપચારિક નોટિસ જારી કરીને સ્પષ્ટતા કરવા આદેશ કર્યો છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને મતદાર યાદી સુધારણા સંબંધિત નિર્ણયો બંધારણીય જોગવાઈ મુજબ સર્વાનુમતે લેવાયા હતા કે બહુમતીના આધારે.

Supreme Court CEC Gyanesh Kumar  અખબારી અહેવાલોના આધારે સીધો આદેશ ન થઈ શકે

ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્ય બાગચી અને જસ્ટિસ વી. મોહનાની ત્રણ જજોની ખંડપીઠે સુનાવણી દરમિયાન અરજદારના આધાર સામે સવાલ ઉઠાવ્યા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચમાં એકપક્ષીય રીતે નિર્ણયો લેવાયા હોવાનું તારણ માત્ર અખબારના અહેવાલો પરથી કાઢી શકાય નહીં. મીડિયા રિપોર્ટ સાચા, આંશિક સાચા કે અચોક્કસ પણ હોઈ શકે છે. તેથી જ્યાં સુધી ચૂંટણી પંચનો સત્તાવાર જવાબ અને પ્રમાણિત રેકોર્ડ સામે ન આવે ત્યાં સુધી કોઈ તાત્કાલિક આદેશ જારી થઈ શકે નહીં. બેન્ચે ઉમેર્યું કે જો રેકોર્ડ દર્શાવશે કે કાયદાકીય પ્રક્રિયાનું પાલન નથી થયું, તો જ કોર્ટ યોગ્ય હસ્તક્ષેપ કરશે.

Supreme Court CEC Gyanesh Kumar કમિશનરો વચ્ચે 14 વખત વાંધાનો મામલો

આ સમગ્ર વિવાદ ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના એક અહેવાલ બાદ સપાટી પર આવ્યો હતો, જેમાં દાવો કરાયો હતો કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા ૧૦ મહિનામાં મતદાર યાદી, મતદાર નોંધણી અને તકનીકી સિસ્ટમ્સ મુદ્દે ઓછામાં ઓછા ૧૪ વખત ઔપચારિક વાંધા ઉઠાવ્યા હતા. જોકે, ચૂંટણી પંચે કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરી છે કે મુસદ્દાના તબક્કે ઉઠાવાયેલા સવાલો અને વાંધાઓ સામાન્ય વહીવટી પ્રક્રિયાનો હિસ્સો હતા અને SIR શેડ્યૂલ અંગેના અંતિમ નિર્ણયો સર્વાનુમતે જ લેવામાં આવ્યા હતા.

અરજીમાં સત્તાના દુરુપયોગના આક્ષેપ

પટનાના રહેવાસી રાકેશ કુમાર સિંહ દ્વારા દાખલ કરાયેલી PILમાં આક્ષેપ કરાયો છે કે CEC જ્ઞાનેશ કુમાર બંધારણ હેઠળ સમગ્ર પંચની સામૂહિક સત્તાનો વ્યક્તિગત ઉપયોગ કરી રહ્યા છે. અરજીમાં ફોર્મ-૬માં અનધિકૃત ફેરફારો, મતદાર ડેટાબેઝનું કેન્દ્રીકરણ અને ECINet સિસ્ટમ મારફતે નામો પુનઃસ્થાપિત કરવામાં નિષ્ફળતા જેવા ગંભીર આરોપો મુકાયા છે. હાલ પૂરતી સુપ્રીમ કોર્ટે CECને સસ્પેન્ડ કરવાની માંગ પર રોક લગાવી છે અને ચૂંટણી પંચના સત્તાવાર જવાબની રાહ જોવાઈ રહી છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારની મુશ્કેલી વધી: કેરળ સરકારે 2006ના ભ્રષ્ટાચાર અને આપઘાત કેસમાં આપ્યા વિજિલન્સ તપાસના આદેશ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *