Anand Divyang Assessment Camp આણંદ જિલ્લાના અસ્થિવિષયક દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને આધુનિક સહાયક ઉપકરણો પૂરા પાડી તેમને આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુ સાથે આગામી તારીખ ૩ અને ૪ નવેમ્બરના રોજ એક વિશેષ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ તેમજ નિયામક, સમાજ સુરક્ષા પ્રભાગના માર્ગદર્શન હેઠળ ભારત સરકારની સંસ્થા એલિમ્કો (ALIMCO) અને પેટલાદ તાલુકાના નાર સ્થિત શ્રી નિત્યાનંદ સ્વામી એજ્યુકેશન ટ્રસ્ટ, ગોકુલધામના સહયોગથી આણંદ જિલ્લાના હલન-ચલનની અશક્તતા ધરાવતા દિવ્યાંગજનો માટે આ નિઃશુલ્ક કેમ્પ યોજાશે.
આ એસેસમેન્ટ કેમ્પ આગામી તારીખ ૦૩/૧૧/૨૦૨૬, મંગળવાર અને તારીખ ૦૪/૧૧/૨૦૨૬, બુધવારના રોજ શ્રી નિત્યાનંદ સ્વામી એજ્યુકેશન ટ્રસ્ટ, ગોકુલધામ, તારાપુર-બોરસદ હાઇવે, નાર (તા. પેટલાદ) ખાતે યોજવામાં આવશે. બંને દિવસે સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૫:૦૦ કલાક સુધી ચાલનારા આ કેમ્પમાં જિલ્લાના વિવિધ તાલુકાઓના દિવ્યાંગજનો પોતાની શારીરિક સ્થિતિ મુજબના જરૂરી સાધનો (કૃત્રિમ અંગો) મેળવવા માટે નોંધણી કરાવી શકશે. આ કેમ્પમાં નિષ્ણાતો દ્વારા દિવ્યાંગોની તપાસ કરી તેમને કયા પ્રકારના સાધનોની જરૂરિયાત છે તેનું આકલન કરવામાં આવશે.
Anand Divyang Assessment Camp : આધુનિક ઉપકરણો માટે પાત્રતા અને વિશેષ નોંધ
કેમ્પ દરમિયાન અસ્થિવિષયક દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ માટે ફક્ત કૃત્રિમ હાથ-પગ જેવા હાઈટેક પ્રોસ્થેટીક સાધનો, કેલીપર્સ, મોટરાઈઝ્ડ ટ્રાઈસીકલ અને જોયસ્ટીક વ્હિલચેર જેવા આધુનિક ઉપકરણો માટેની પાત્રતા નક્કી કરવામાં આવશે. ખાસ નોંધનીય છે કે આ કેમ્પમાં માત્ર દિવ્યાંગજનોનું એસેસમેન્ટ એટલે કે પૂર્વ-તપાસ કરવામાં આવશે. ત્યારબાદ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પાત્રતા ધરાવતા લાભાર્થીઓનો સંપર્ક કરવામાં આવશે અને અન્ય એક કાર્યક્રમ દ્વારા તેમને નિયત કરેલા સહાયક ઉપકરણો નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.
આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દિવ્યાંગજનોએ પોતાની સાથે દિવ્યાંગતા પ્રમાણપત્ર અથવા યુડીઆઈડી (UDID) કાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, આવકનો દાખલો અને આધાર કાર્ડની અસલ નકલ તેમજ ઝેરોક્ષ નકલ સાથે ઉપસ્થિત રહેવાનું રહેશે. યોજનાના નિયમો મુજબ જે દિવ્યાંગોએ છેલ્લા ૩ વર્ષ દરમિયાન આ પ્રકારના સાધનો મેળવેલા હશે અથવા તો મંજૂર થયેલ હશે, તેઓ ફરીથી લાભ મેળવવા પાત્ર રહેશે નહીં. તે જ રીતે, જે લાભાર્થીઓનું અગાઉ એસેસમેન્ટ થઈ ગયું હોય તેઓનું પણ ફરીથી એસેસમેન્ટ કરવામાં આવશે નહીં તેની ખાસ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.
આણંદ જિલ્લાના જરૂરિયાતમંદ દિવ્યાંગજનોને આ તકનો મહત્તમ લાભ લેવા અને સમયસર નિયત સ્થળે જરૂરી દસ્તાવેજો સાથે પહોંચવા અનુરોધ કરવામાં આવ્યો છે. કેમ્પ અંગે વધુ માહિતી કે પૂછપરછ માટે હેલ્પલાઇન નંબર (૦૨૬૯૨) ૨૫૩૨૧૦ અથવા ૨૫૦૯૧૦ પર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત મોબાઈલ નંબર ૯૮૭૫૦૧૩૦૩૮ અને ૯૯૧૩૩૪૬૨૫૧ પર પણ સંપર્ક સાધીને માર્ગદર્શન મેળવી શકાશે.

