India vs New Zealand 4th T20:ચોથી ટી-20 મેચમાં ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. પ્રથમ બોલરોએ ભારતની મુશ્કેલીઓ વધારી અને ત્યારબાદ બેટ્સમેનોએ પણ નિરાશ કર્યા હતા. ન્યૂઝીલેન્ડને ઘરઆંગણે ભારત સામે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સાત વર્ષ બાદ જીત મળી છે. ઓકલેન્ડમાં રમાયેલી આ મેચમાં ગ્લેન ફિલિપ્સની તોફાની સદીની મદદથી ન્યૂઝીલેન્ડે ૨૦ ઓવરમાં ૭ વિકેટ ગુમાવીને ૨૫૯ રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય બેટ્સમેનો ખાસ કમાલ કરી શક્યા નહોતા અને આખી ટીમ માત્ર ૧૭૨ રન જ બનાવી શકી હતી. આ રીતે ન્યૂઝીલેન્ડે ચોથી ટી-20 મેચ ૮૭ રનથી જીતી લીધી હતી. ઓકલેન્ડમાં ભારતની આ પ્રથમ હાર છે. બીજી તરફ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વર્ષ ૨૦૧૯ બાદ ન્યૂઝીલેન્ડની ધરતી પર ભારત પ્રથમ વખત હાર્યું છે.
India vs New Zealand 4th T20: ન્યૂઝીલેન્ડનો વિશાળ સ્કોર અને ફિલિપ્સની સદી
ચોથી ટી-20 મેચમાં પણ ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ વખતે ભારતીય બોલરો સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા હતા. ગ્લેન ફિલિપ્સે ૪૯ બોલમાં ૧૦૭ રન અને માઇકલ બ્રેસવેલે ૨૫ બોલમાં ૬૫ રનની તોફાની ઇનિંગ રમીને ઇતિહાસ રચ્યો હતો. ન્યૂઝીલેન્ડે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર ૨૫૯/૭ નોંધાવ્યો હતો. ત્યારબાદ બોલિંગમાં જેકબ ડફીએ કમાલ કરી હતી. તેણે ૪ ઓવરમાં ૨૩ રન આપીને ૪ વિકેટ ઝડપી હતી.
પાવરપ્લેમાં જ ભારતે ગુમાવી4 મહત્વની વિકેટ
૨૬૦ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત જ અત્યંત ખરાબ રહી હતી. સંજુ સેમસન માત્ર ૨ બોલમાં ૪ રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે ઈશાન કિશન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. જેકબ ડફીએ તેને શૂન્ય રને પેવેલિયન પરત મોકલ્યો હતો. માત્ર ૪ રનમાં ૨ વિકેટ ગુમાવ્યા બાદ ભારતની તમામ આશા અભિષેક શર્મા અને કેપ્ટન શ્રેયસ અય્યર પર હતી. અભિષેક શર્મા ૨૭ રન અને શ્રેયસ અય્યર ૨૨ રન બનાવીને આઉટ થયા હતા. પાવરપ્લેમાં જ ભારતીય ટીમે ૪ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી, જેના કારણે જીતની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ હતી.
ત્યારબાદ અક્ષર પટેલ (૭ રન), નીતિશ કુમાર રેડ્ડી (૨૧ રન) અને નમન ધીરે (૨૮ રન) પ્રયાસ કર્યો હતો. તિલક વર્માએ ધીમી ગતિએ બેટિંગ કરતા ૩૫ બોલમાં ૩૫ રન બનાવ્યા હતા, જ્યારે પ્રિન્સ યાદવ ૧૮ રને અણનમ રહ્યો હતો. ભારતીય ટીમ ૨૦ ઓવરમાં ૯ વિકેટ ગુમાવીને માત્ર ૧૭૨ રન જ બનાવી શકી હતી.
મધ્યપ્રદેશના શિવપુરીમાં દર્દનાક દુર્ઘટના, કુવામાં કૂદીને 6 લોકોએ જીવન ટૂંકાવ્યું

