Bangladeshis Detained Ahmedabad કાર્યવાહી હેઠળ અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચે શહેરના વિવિધ વિસ્તારોમાંથી 61 બાંગ્લાદેશી નાગરિકોને અટકાયતમાં લીધા છે. દિવાળી પહેલાં શહેરમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવા અને સંભવિત જોખમોને રોકવાના હેતુથી ચલાવવામાં આવેલા વિશેષ અભિયાન દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, અટકાયતમાં લેવામાં આવેલા લોકો પાસે માન્ય કાનૂની દસ્તાવેજો ન હોવાની પ્રાથમિક માહિતી મળી છે. તેમની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને દેશનિકાલની પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.
અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચે જાહેર કરેલી પ્રેસનોટ પ્રમાણે, ગુપ્ત માહિતીના આધારે શહેરના અનેક વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ગેરકાયદેસર રીતે રહેતા હોવાની શંકા ધરાવતા 61 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી છે. વિદેશી નાગરિકોની ઓળખ અને તેમના દસ્તાવેજોની ચકાસણી પણ આ અભિયાનનો એક ભાગ છે.
Bangladeshis Detained Ahmedabad: દેશનિકાલની પ્રક્રિયા શરૂ
ક્રાઇમ બ્રાન્ચે અટકાયતમાં લેવામાં આવેલા નાગરિકો સામે જરૂરી કાનૂની પ્રક્રિયા શરૂ કરી છે. તેમાં તેમની ઓળખ અને દસ્તાવેજોની તપાસ કરીને નિયમ મુજબ બાંગ્લાદેશ પરત મોકલવાની કાર્યવાહીનો સમાવેશ થાય છે. જોકે, તમામ 61 લોકોને ક્યારે દેશનિકાલ કરવામાં આવશે તે અંગે ચોક્કસ તારીખ જાહેર કરવામાં આવી નથી.
નોંધનીય છે કે આ પહેલાં જૂન મહિનામાં ‘ઓપરેશન ડેલ્ટા હન્ટ’ હેઠળ અમદાવાદના ચંડોળા, ગુલાબનગર અને ખોખરાનગર વિસ્તારોમાંથી 166 બાંગ્લાદેશી નાગરિકોને પકડવામાં આવ્યા હતા.
આ ઉપરાંત એપ્રિલ-મે 2025 દરમિયાન ચંડોળા તળાવ નજીક ગેરકાયદેસર બાંધકામો સામે પણ મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. તે સમયે આશરે 4,000 મકાનો તોડી પાડવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી. આ અભિયાન તત્કાલીન અમદાવાદ પોલીસ કમિશનર અને હાલના ડીજીપી જી.એસ. મલિકના નેતૃત્વમાં હાથ ધરાયું હતું.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સ્પષ્ટ કર્યું છે કે ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોની ઓળખ અને તેમની સામે કાયદેસરની કાર્યવાહીનું અભિયાન આગળ પણ ચાલુ રહેશે.

