Ahmedabad Drug Seizure અભિયાન અંતર્ગત અમદાવાદ શહેર પોલીસે નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે મોટી કાર્યવાહી કરી છે. જાન્યુઆરીથી ઓક્ટોબર 2025 દરમિયાન પોલીસે NDPS હેઠળ કુલ 188 કેસ શોધી કાઢ્યા છે. આ કેસોમાં 275 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અંદાજે ₹42 કરોડથી વધુ કિંમતનો નશીલો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
શહેરને નશામુક્ત બનાવવાના હેતુથી અમદાવાદ પોલીસ દ્વારા ‘NO DRUGS IN AHMEDABAD CITY’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ કામગીરી માટે શહેરનાં તમામ 48 પોલીસ સ્ટેશનોમાં એન્ટી નાર્કોટિક્સ સેલ કાર્યરત કરવામાં આવ્યા છે. દરેક સેલમાં એક PSI અને ચાર પોલીસ કર્મચારીઓ સહિત કુલ 240 અધિકારી-કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત સેક્ટર-1 અને સેક્ટર-2 વિસ્તારમાં અલગ એન્ટી નાર્કોટિક્સ વિંગ પણ બનાવવામાં આવી છે, જેમાં 16 અધિકારી-કર્મચારીઓ ફરજ બજાવે છે. SOG અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ નશીલા પદાર્થોના નેટવર્ક સામે કાર્યવાહી કરી રહી છે.
પોલીસના આંકડા પ્રમાણે, એન્ટી નાર્કોટિક્સ સેલ અને વિંગે 121 કેસ શોધી કાઢ્યા છે, જ્યારે SOG અને ક્રાઇમ બ્રાન્ચે 67 કેસ નોંધ્યા છે. એક કેસમાં SOGએ ₹7 કરોડથી વધુ કિંમતનો હાઇબ્રિડ ગાંજો પણ જપ્ત કર્યો હતો.
Ahmedabad Drug Seizure: એક વર્ષમાં કેસ અને ધરપકડમાં વધારો
જાન્યુઆરીથી ઓક્ટોબર 2024 દરમિયાન NDPSના 55 કેસમાં 60 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને ₹4.54 કરોડનો મુદ્દામાલ જપ્ત થયો હતો. તેની સરખામણીમાં 2025ના પ્રથમ દસ મહિનામાં કેસ અને ધરપકડની સંખ્યા વધી છે.
અમદાવાદ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે નશાના વેપારીઓ સામે કાર્યવાહી ઉપરાંત યુવાધનને નશાથી બચાવવા જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. ઓક્ટોબર 2025 સુધીમાં શાળા, શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓમાં કુલ 102 જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા.
પોલીસ દ્વારા નશાની લતનો ભોગ બનેલા 200થી વધુ લોકોના પુનર્વસન માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ સાથે સંકલન કરીને આશરે ₹25 કરોડના જપ્ત કરાયેલા નશીલા પદાર્થોનો નાશ કરવાની કામગીરી પણ કરવામાં આવી છે. આ રીતે પોલીસ કાર્યવાહી, જનજાગૃતિ અને પુનર્વસન એમ ત્રણેય સ્તરે નશા સામે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

