દિવાળીના પર્વ નિમિત્તે ગુજરાત સરકાર દ્વારા ST નિગમના કર્મચારીઓને અડધો પગાર એડવાન્સ આપવાની જાહેરાત કરાઈ

ST Nigam Advance Salary

ST Nigam Advance Salary દિવાળી અને ધનતેરસના પવિત્ર તહેવાર નિમિત્તે રાજ્ય સરકાર દ્વારા એસ.ટી. નિગમના કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. એસ.ટી. નિગમના કર્મચારીઓ પોતાના પરિવાર સાથે તહેવારની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી શકે તે હેતુથી તેમને અડધો પગાર એડવાન્સમાં ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે.

ગાંધીનગરથી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ૧૦૧ નવી ST બસોનું વિધિવત લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. નવી બસો થકી દિવાળીના તહેવારો દરમિયાન મુસાફરોની અવરજવર વધુ સરળ અને સુગમ બનશે. આ બસો રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો વચ્ચેની પરિવહન વ્યવસ્થાને મજબૂત બનાવશે, જેનાથી તહેવારોમાં વતન જતા મુસાફરોને મોટો લાભ મળશે.

ST Nigam Advance Salary: ડ્રાઈવર અને કંડક્ટરના હસ્તે કરાયું બસોનું લોકાર્પણ

નવી ST બસોના લોકાર્પણ સમારોહ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રોટોકોલથી અલગ અંદાજ અપનાવ્યો હતો. સામાન્ય રીતે મંત્રીઓ દ્વારા કરવામાં આવતા ફ્લેગ ઓફના બદલે તેમણે બસોના સંચાલનમાં મુખ્ય ભૂમિકા ભજવતા ST નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને વર્કશોપના કર્મચારીઓને પોતાની સાથે રાખીને તેમના હસ્તે જ નવી બસોને લીલી ઝંડી અપાવી હતી.

કાર્યક્રમ શરૂ થતાં પહેલાં તેમણે નિગમના ડ્રાઈવર, કંડક્ટર અને વર્કશોપના કારીગરો સાથે સીધો સંવાદ કર્યો હતો અને તેમના કામકાજ અંગે વાતચીત કરીને તમામ કર્મચારીઓ તથા તેમના પરિવારજનોને દિવાળી અને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવિણ માળી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો  PM મોદીએ ગુજરાતમાં કહ્યું – ‘હું છેલ્લા શ્વાસ સુધી દેશની જનતાની સેવા કરતો રહીશ’