અમદાવાદના SG હાઇવે પર ટ્રાફિકની સમસ્યા ઘટશે? અમિત શાહ આજે ₹464 કરોડના એલિવેટેડ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે

Ahmedabad Elevated Corridor

Ahmedabad Elevated Corridor નું આજે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. ઇસ્કોન જંક્શનથી સાણંદ ચોકડી સુધી બનાવવામાં આવેલા છ લેનના આ એલિવેટેડ કોરિડોરને સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ખુલ્લો મૂકવામાં આવશે. ₹464 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટથી SG હાઇવે પર ટ્રાફિકનું દબાણ ઘટવાની અને દરરોજ આશરે બે લાખ વાહનચાલકોને રાહત મળવાની આશા છે.

ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા આ કોરિડોરનું નિર્માણ કરવામાં આવ્યું છે. બે વર્ષથી વધુ સમય સુધી ચાલેલા બાંધકામ બાદ હવે પ્રોજેક્ટ પૂર્ણ થયો છે. ઇસ્કોન જંક્શનથી સાણંદ ચોકડી વચ્ચેનો માર્ગ અમદાવાદના વ્યસ્ત માર્ગોમાંનો એક હોવાથી અહીં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.

Ahmedabad Elevated Corridor થી SG હાઇવે પર અવરજવર સરળ બનશે

આ કોરિડોર શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મુસાફરી કરતા વાહનચાલકોને વધુ સરળ અને ઝડપી અવરજવરની સુવિધા મળવાની અપેક્ષા છે. ખાસ કરીને ઇસ્કોન જંક્શનથી સાણંદ ચોકડી વચ્ચે ટ્રાફિકના દબાણમાં ઘટાડો થઈ શકે છે.

પ્રોજેક્ટમાં બંને તરફ ત્રણ-ત્રણ રેમ્પ બનાવવામાં આવ્યા છે. આ વ્યવસ્થાથી વાહનચાલકોને કોરિડોર પર ચઢવા અને ઉતરવા માટે સુવિધા મળશે. સૌરાષ્ટ્ર તરફથી ઉજાલા સર્કલના માર્ગે ગાંધીનગર જતા લોકોને પણ તેનો લાભ થવાની આશા છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં ₹1,500 કરોડથી વધુનાં વિકાસકાર્યો

અમિત શાહ તેમના વાર્ષિક દિવાળી પ્રવાસે ગુજરાત આવી રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ₹1,500 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ₹700 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જ્યારે ₹364 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત થશે. અમદાવાદ મહાનગરપાલિકાના 27 પ્રોજેક્ટ્સ ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારનાં વિવિધ વિકાસકાર્યોનો પણ તેમાં સમાવેશ થાય છે.

એલિવેટેડ કોરિડોર શરૂ થયા બાદ SG હાઇવે પર ટ્રાફિક વ્યવસ્થામાં કેટલો સુધારો થાય છે તે જોવું મહત્વનું રહેશે. ખાસ કરીને રોજિંદી અવરજવર કરતા વાહનચાલકોને તેનો કેટલો લાભ મળે છે તેના પર સૌની નજર રહેશે.

ખંભાતની બિલ્કીસનાઝ બની ગુજરાતની પ્રથમ બુલેટ ટ્રેન પાઇલટ