Hemang Joshi Rahul Gandhi અંગેના નિવેદનને કારણે રાજકીય ચર્ચા શરૂ થઈ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિવાળીને ‘ખુશીઓની ઈદ’ ગણાવી હતી. તેમના આ નિવેદન સામે ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડોદરાના લોકસભા સાંસદ ડૉ. હેમંગ જોશીએ વળતો પ્રહાર કર્યો છે. તેમણે X પર સવાલ ઉઠાવ્યો કે, જો દિવાળી ખુશીઓની ઈદ છે, તો શું રાહુલ ગાંધી નવા ભારતના મીર જાફર છે?
ખડગેએ કર્ણાટકમાં દિવાળીની શુભેચ્છા આપતી વખતે આ નિવેદન કર્યું હતું. તેમણે દિવાળીને એવો તહેવાર ગણાવ્યો હતો, જે લોકોને એકસાથે લાવે છે અને પરિવારજનો તથા પ્રિયજનો સાથે મળવાનો અવસર આપે છે. તેમણે તહેવારના માધ્યમથી ભાઈચારો અને એકતાનો સંદેશ આપ્યો હતો.
खड़गे जी , आपने कहा की दिवाली खुशियों की ईद है तो क्या राहुल गांधी नए भारत के मीर ज़ाफ़र है ???
— Dr. Hemang Joshi (MP Vadodara) (@drhemangjoshimp) November 8, 2026
Hemang Joshi Rahul Gandhi પર મીર જાફર અંગે કટાક્ષ
હેમંગ જોશીએ ખડગેના નિવેદનને નિશાન બનાવીને રાહુલ ગાંધીની સરખામણી મીર જાફર સાથે કરી હતી. મીર જાફર બંગાળના નવાબ સિરાજઉદ્દૌલાના સેનાપતિ હતા. 1757ના પ્લાસીના યુદ્ધ દરમિયાન તેમણે અંગ્રેજોની સાથે મળીને નવાબ સાથે વિશ્વાસઘાત કર્યો હતો. આ ઘટનાને ભારતીય ઇતિહાસમાં અંગ્રેજોના પ્રભાવની શરૂઆત સાથે જોડવામાં આવે છે.
ભારતીય રાજકીય ચર્ચામાં મીર જાફરનું નામ ઘણીવાર વિશ્વાસઘાતના પ્રતીક તરીકે વપરાય છે. હેમંગ જોશીએ પણ આ ઐતિહાસિક સંદર્ભનો ઉપયોગ કરીને રાહુલ ગાંધી પર રાજકીય કટાક્ષ કર્યો હતો.
ખડગેએ એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો
ખડગેએ પોતાના સંદેશમાં દિવાળીને ભારતનો મુખ્ય તહેવાર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે તેને વિવિધ સમુદાયના લોકો ઉજવે છે. તેમણે દિવાળીને ખુશીઓની ઈદ ગણાવીને લોકોને પરસ્પરના ઝઘડા અને ગેરસમજ દૂર કરવાની અપીલ કરી હતી.
જોકે, દિવાળીને ઈદ સાથે જોડવાના તેમના શબ્દો સામે ભાજપે વાંધો વ્યક્ત કર્યો છે. આ નિવેદનને લઈને કોંગ્રેસ અને ભાજપ વચ્ચે રાજકીય વાકયુદ્ધ વધુ તેજ બનવાની શક્યતા છે.

