Savarkundla Ingoriya Yuddh દેશભરમાં દિવાળીની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવે છે, પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ઉજવાતી પરંપરા કંઈક અલગ જ છે. અહીં વર્ષોથી દિવાળીની રાત્રે અનોખું ‘ઇંગોરીયા યુદ્ધ’ રમાય છે. આશરે ૧૫૦ વર્ષ જૂની આ પરંપરા આજે પણ એટલા જ ઉત્સાહથી જળવાઈ રહી છે. રાત્રિના અંધકારમાં ઇંગોરીયા નામના ફટાકડા એકબીજા તરફ ફેંકવામાં આવે છે, જેના કારણે જાણે કોઈ રણભૂમિમાં યુદ્ધ ચાલી રહ્યું હોય તેવાં દૃશ્યો સર્જાય છે. આ અનોખી રમત નિહાળવા માટે સ્થાનિકો ઉપરાંત દૂર-દૂરથી લોકો સાવરકુંડલા પહોંચે છે.
Savarkundla Ingoriya Yuddh: સાંસદ, કલેક્ટર અને ધારાસભ્ય પણ રહ્યા ઉપસ્થિત
સાવરકુંડલાની આ અનોખી પરંપરાનો આનંદ માણવા અમરેલીના સાંસદ ભરત સુતરીયા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, તેમનાં ધર્મપત્ની અને ડાંગનાં એસપી પૂજા યાદવ તેમજ ધારાસભ્ય મહેશ કસવાળા ઉપસ્થિત રહ્યા હતા. નાવલી નદી ખાતે ભવ્ય ફાયર શો અને આતિશબાજીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ અને તબીબી ટીમ પણ તૈનાત કરવામાં આવી હતી.


