Diwali Cyber Fraudના વધતા જોખમ વચ્ચે ગુજરાત પોલીસે નાગરિકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામે ફેલાઈ રહેલા ₹8,000ની દિવાળી સહાયના નકલી સંદેશાઓથી સાવધાન રહેવાની ચેતવણી આપી છે. આ સંદેશામાં દાવો કરવામાં આવે છે કે સરકાર દિવાળી નિમિત્તે નાગરિકોને રોકડ સહાય આપી રહી છે. જોકે, અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સ્પષ્ટ કર્યું છે કે આવી કોઈ સરકારી યોજના જાહેર કરવામાં આવી નથી.
પોલીસના જણાવ્યા અનુસાર, સાયબર ઠગો તહેવારો દરમિયાન લોકોને નાણાં મળવાની લાલચ આપીને સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ પર નકલી લિંક્સ ફેલાવે છે. આ લિંક પર ક્લિક કરવાથી વપરાશકર્તા નકલી વેબસાઇટ પર પહોંચે છે, જ્યાં તેને પોતાનો મોબાઇલ નંબર દાખલ કરવા અને મેસેજ પાંચ WhatsApp અથવા Telegram ગ્રુપમાં કે 20 મિત્રોને મોકલવા કહેવામાં આવે છે.
ત્યારબાદ સ્ક્રીન પર આઠ આંકડાનો કનેક્શન કોડ બતાવી તેને WhatsAppના ‘Linked Devices’ વિકલ્પમાં દાખલ કરવાનું કહેવામાં આવે છે. આ રીતે ઠગો પીડિતનું WhatsApp એકાઉન્ટ પોતાના ડિવાઇસ સાથે લિંક કરીને તેનો કબજો મેળવી શકે છે.
Diwali Cyber Fraudમાં APK ફાઇલથી બેંકિંગ માહિતીની ચોરીનું જોખમ
અમદાવાદ સાયબર ક્રાઇમના DCP લવિના સિંહાના જણાવ્યા પ્રમાણે, ઠગો PhonePe દ્વારા રકમ મેળવવાની પ્રક્રિયાના બહાને હાનિકારક Android APK ફાઇલો ડાઉનલોડ કરાવે છે. આવી ફાઇલ ઇન્સ્ટોલ થતાં મોબાઇલમાં રહેલા SMS, OTP, બેંકિંગ એપ્લિકેશન અને અન્ય અંગત માહિતી સુધી તેમની પહોંચ થઈ શકે છે. પરિણામે બેંક ખાતામાંથી નાણાં ઉપડી જવાનું જોખમ રહે છે.
DCPએ સ્પષ્ટ કર્યું કે ₹8,000ની દિવાળી સહાયનો સંદેશ સંપૂર્ણપણે નકલી છે. ઠગો દિવાળી ઉપરાંત ક્રિકેટ મેચ, સંગીત કાર્યક્રમો અને નવી સરકારી યોજનાઓના નામે પણ આવી છેતરપિંડી કરી શકે છે.
પોલીસે નાગરિકોને અજાણી લિંક પર ક્લિક નહીં કરવા, OTP કે બેંકિંગ વિગતો શેર નહીં કરવા અને સરકારી યોજનાઓની માહિતી માત્ર સત્તાવાર વેબસાઇટ અથવા સરકારી કચેરીમાંથી જ મેળવવા અપીલ કરી છે.
જો કોઈ અજાણ્યું ડિવાઇસ WhatsApp સાથે લિંક થઈ ગયું હોય તો તેને તરત જ લૉગ આઉટ કરવું જોઈએ. Telegramમાં ટુ-સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરીને સક્રિય સેશન્સ તપાસવા અને અજાણ્યાં ડિવાઇસ દૂર કરવા પણ પોલીસે સલાહ આપી છે. Google Play Store સિવાયના સ્રોતોમાંથી APK ફાઇલો ડાઉનલોડ ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

