Ahmedabad Hit and Run કેસમાં અમદાવાદના શીલજ સર્કલ પાસે થયેલા જીવલેણ અકસ્માતને લઈને મોટો ખુલાસો થયો છે. આ અકસ્માતમાં 35 વર્ષીય હર્ષદકુમાર પુરબિયાનું મોત થયું હતું. પોલીસ તપાસમાં કારચાલક તરીકે બાપુનગરના ભાજપના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહના ભત્રીજા રાઘવેન્દ્ર કુશવાહનું નામ સામે આવ્યું છે. બોપલ પોલીસે CCTV ફૂટેજ અને કારની નંબર પ્લેટના આધારે તેની ધરપકડ કરી હતી. જોકે, પૂછપરછ બાદ કાયદાકીય જોગવાઈઓ હેઠળ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.
શીલજ સર્કલ પાસે સવારે 7 વાગ્યે અકસ્માત
પોલીસ ફરિયાદ મુજબ, 11 નવેમ્બરની સવારે આશરે 7 વાગ્યે ગુરુકૃપા ટ્રેડર્સ ચાર રસ્તા નજીક આ અકસ્માત થયો હતો. રેપિડો બાઈક પર પ્રદીપ કુમાર વાહન ચલાવી રહ્યા હતા, જ્યારે હર્ષદકુમાર પાછળ બેઠા હતા. આ દરમિયાન એક કારે તેમની બાઈકને ટક્કર મારી હતી.
અકસાનમાં હર્ષદકુમારને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું મોત નીપજ્યું હતું. તેઓ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના રહેવાસી હતા અને અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા હતા. અકસ્માત બાદ કારચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
Ahmedabad Hit and Run: CCTV અને નંબર પ્લેટથી આરોપી સુધી પહોંચી પોલીસ
બોપલ પોલીસે તપાસ દરમિયાન ઉપલબ્ધ CCTV ફૂટેજ અને કારની નંબર પ્લેટના આધારે રાઘવેન્દ્ર કુશવાહને શોધી કાઢ્યો હતો. ત્યારબાદ તેને તેના ઘરેથી લાવી પૂછપરછ કરવામાં આવી હતી.
બોપલ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ PIના જણાવ્યા અનુસાર, અકસ્માતની જાણ થયા બાદ 15થી 17 કલાકમાં આરોપીને શોધી લેવામાં આવ્યો હતો. તેનું સરનામું અલગ હોવાથી તેને શોધવામાં થોડો સમય લાગ્યો હતો. પોલીસે જણાવ્યું કે લાગુ કાયદાકીય જોગવાઈઓ હેઠળ પૂછપરછ બાદ તેને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.
PIએ વધુમાં જણાવ્યું હતું કે તપાસમાં આરોપીએ અકસ્માત સમયે નશો કર્યો હોવાની હાલ કોઈ માહિતી મળી નથી. તેમના જણાવ્યા પ્રમાણે, બાઈક રસ્તો ક્રોસ કરીને અંદરની તરફ જતી વખતે રસ્તાની વચ્ચે આવી હતી અને કારની ટક્કર બાઈકના પાછળના ભાગે વાગી હતી. અકસ્માતના ચોક્કસ સ્થળે CCTV કેમેરા ન હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.
પોલીસે આ કેસમાં કોઈ રાજકીય દબાણ હોવાનો ઇનકાર કર્યો છે. જોકે, અકસ્માતની સંપૂર્ણ હકીકત અને જવાબદારી તપાસના આધારે જ સ્પષ્ટ થશે.

