ISSF World Championshipમાં ભારતના શૂટર નીરજ કુમારે શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે તેમણે પુરુષોની 50 મીટર રાઇફલ 3-પોઝિશન સ્પર્ધામાં ભારત માટે લોસ એન્જલસ ઓલિમ્પિક 2028નો ક્વોટા પણ નિશ્ચિત કર્યો છે. શૂટિંગમાં ભારતને મળેલો આ બીજો ઓલિમ્પિક ક્વોટા છે.
આ પહેલાં ગયા અઠવાડિયે પુરુષોની 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતનાર જયપાલ માલવિયાએ ભારતને પ્રથમ ક્વોટા અપાવ્યો હતો. હવે નીરજની સફળતાથી ઓલિમ્પિક માટે ભારતની તૈયારીઓને વધુ પ્રોત્સાહન મળ્યું છે.
નીરજ કુમારે ફાઇનલમાં કુલ 346.5 પોઇન્ટ મેળવ્યા હતા. ગોલ્ડ મેડલ જીતનાર દિમિત્રી પિમેનોવે 362.8 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે સ્લોવાકિયાના પેટ્રિક જાની 357.2 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહ્યા હતા. ભારતના ઐશ્વર્ય પ્રતાપ સિંહ તોમર 323.7 પોઇન્ટ સાથે પાંચમા સ્થાને રહ્યા હતા.
View this post on Instagram
ISSF World Championshipમાં ઓલિમ્પિક ક્વોટાની મહત્વની સફળતા
નીરજે જે સ્પર્ધામાં ક્વોટા મેળવ્યો છે, તેમાં જ ભારતના સ્વપ્નિલ કુસાલેએ પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સ્વપ્નિલ આ સ્પર્ધામાં ઓલિમ્પિક મેડલ જીતનાર પ્રથમ ભારતીય શૂટર બન્યા હતા.
ફાઇનલમાં દિમિત્રી પિમેનોવે ત્રણેય પોઝિશન—નીલિંગ, પ્રોન અને સ્ટેન્ડિંગમાં સતત સારો દેખાવ કરીને 362.8 પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે તેમણે નવો જુનિયર વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાવ્યો હતો.
ચોથા સ્થાને રહેલા નૉર્વેના જૉન-હર્મન હેગને પણ ઓલિમ્પિક ક્વોટા મળ્યો હતો. પેટ્રિક જાની અગાઉ બીજી સ્પર્ધામાં ક્વોટા મેળવી ચૂક્યા હોવાથી નિયમ મુજબ તેમને બીજું સ્થાન મળી શક્યું નહોતું. તેથી આ ક્વોટા આગામી લાયક ખેલાડીને ફાળવવામાં આવ્યો હતો.
ISSF વર્લ્ડ ચેમ્પિયનશિપ દોહા 2026માં 12 વ્યક્તિગત સ્પર્ધાઓ માટે ઓલિમ્પિકના કુલ ક્વોટા સ્થાનો આપવામાં આવી રહ્યાં છે. રાઇફલ, પિસ્ટલ અને શૉટગન સ્પર્ધાઓમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ-અલગ ક્વોટાની વ્યવસ્થા છે.

