PM Modi Gujarat Ranking અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોટો રાજકીય આક્ષેપ કર્યો હતો. નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત કિસાન તક ભારત કૃષિ પરિષદ 2026માં સંબોધન દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળમાં રાજ્ય આર્થિક કામગીરીના રૅન્કિંગમાં પ્રથમ સ્થાને આવ્યું હતું. જોકે, તે સમયે કેન્દ્રમાં સત્તા પર રહેલી તત્કાલીન સરકારે સંશોધકો પર અહેવાલ પ્રકાશિત કરતાં પહેલાં સરકારની મંજૂરી લેવાનું દબાણ કર્યું હતું.
PM મોદીએ આ ઘટનાનો ઉલ્લેખ વિપક્ષી નેતાઓની લોકશાહી અને બંધારણીય મૂલ્યો અંગેની ટિપ્પણીઓના જવાબમાં કર્યો હતો. તેમણે કહ્યું કે કેટલાક લોકો બંધારણ અને લોકશાહીને જાણે પોતાના ખિસ્સામાં રાખતા હોય તેમ વર્તે છે. સત્તામાં ન હોવા છતાં તેમના પર સત્તાનો નશો સવાર રહે છે, એવો કટાક્ષ પણ તેમણે કર્યો હતો.
વડાપ્રધાને જણાવ્યું કે ગુજરાતનું આર્થિક રૅન્કિંગ એક ભૂતપૂર્વ વડાપ્રધાનના નામ પરથી ઓળખાતી સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. તેમાં દેશના જાણીતા અર્થશાસ્ત્રીઓના સંશોધનનો આધાર લેવામાં આવ્યો હતો. જોકે, તેમણે સંસ્થાનું કે ભૂતપૂર્વ વડાપ્રધાનનું નામ જાહેર કર્યું નહોતું.
તેમના દાવા મુજબ, ગુજરાતને મળેલી પ્રથમ સ્થાનની ઓળખ તત્કાલીન કેન્દ્ર સરકારને સ્વીકાર્ય નહોતી. તેથી સંશોધકોને અહેવાલ પ્રકાશિત કરતાં પહેલાં સરકારની મંજૂરી લેવાની સૂચના આપવામાં આવી હતી. આ અંગે તેમણે વિપક્ષના વર્તન અને લોકશાહી અંગેના તેના ઉપદેશો પર સવાલ ઉઠાવ્યા હતા.
PM Modi Gujarat Ranking સાથે કૃષિ વિકાસ પર પણ ભાર
કૃષિ પરિષદને સંબોધતાં મોદીએ ભારતીય ખેડૂતોની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે ખેતી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે, પરંતુ વિકસિત ભારતનું લક્ષ્ય હાંસલ કરવા હજુ વધુ પ્રયાસોની જરૂર છે.
તેમણે ખેડૂતોની આવક વધારવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ, પાક વૈવિધ્યકરણ અને આવકની નવી તકો ઊભી કરવા પર ભાર મૂક્યો હતો. ખેતીને આધુનિક, ઉત્પાદક અને નફાકારક બનાવવાની જરૂરિયાત પણ તેમણે વ્યક્ત કરી હતી.
‘સ્માર્ટ કિસાન, વિકસિત ભારત’ વિષય હેઠળ યોજાયેલી આ બે દિવસીય પરિષદમાં ખેડૂતો, કૃષિ વૈજ્ઞાનિકો, નીતિ ઘડનારાઓ અને ઉદ્યોગોના પ્રતિનિધિઓએ કૃષિના ભવિષ્ય અંગે ચર્ચા કરી હતી. મોદીએ જણાવ્યું કે પરિષદમાંથી મળતાં સૂચનો અને ઉકેલો પર સરકાર વિચાર કરશે.

