Tribal Pride Day Gujarat: ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે છોટાઉદેપુરમાં યોજાયેલા રાજ્યસ્તરીય જનજાતીય ગૌરવ દિવસના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના 14 આદિવાસી બહુલ જિલ્લાઓ માટે કુલ ₹2,283.97 કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કર્યું. આ પ્રસંગે તેમણે આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં મુખ્યમંત્રીએ ધરતી આબા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી વીરોનાં બલિદાન અને યોગદાનને દેશ સમક્ષ ઉજાગર કરવાનું કાર્ય કર્યું છે.
મુખ્યમંત્રીએ વર્ષ 2007માં શરૂ થયેલી વનબંધુ કલ્યાણ યોજનાને આદિવાસીઓના વિકાસ માટે મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી પાંચ વર્ષમાં જનજાતીય વિસ્તારોમાં ₹2 લાખ કરોડનાં વિકાસકાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ₹231 કરોડનાં વિકાસકાર્યો અને વ્યક્તિગત લાભો પણ આપવામાં આવ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
Tribal Pride Day Gujarat: શિક્ષણ, આરોગ્ય અને રોજગાર પર ભાર
મુખ્યમંત્રીએ આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે થયેલા વિકાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ પટ્ટામાં 12 સાયન્સ કોલેજ, 2 યુનિવર્સિટી, 12 મેડિકલ કોલેજ અને 57 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ કાર્યરત છે. ઉપરાંત, 22,500થી વધુ સ્માર્ટ ક્લાસરૂમ અને 18,828 વન અધિકાર પત્રોની મંજૂરી આપવામાં આવી છે.
આ પ્રસંગે આદિવાસી મહિલાઓ અને સ્થાનિક કારીગરોને આર્થિક રીતે સશક્ત બનાવવા ‘શબરી બૂથ’ અને ‘જોહાર કેફે’ની શરૂઆત કરવામાં આવી. છોટાઉદેપુરને સ્પોર્ટ્સ અને ફૂડ પ્રોસેસિંગ હબ તરીકે વિકસાવવાની પણ જાહેરાત કરવામાં આવી, જેથી સ્થાનિક યુવાનો માટે રોજગારની તકો ઊભી થઈ શકે.
વિકાસકાર્યોમાં પાણી પુરવઠો, સિંચાઈ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય, પશુચિકિત્સા, વન અને પંચાયત વિભાગનાં કામોનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

