ગુજરાતમાં આદિવાસી ખેડૂતોને રવિ સિઝનમાં પણ બિયારણ-ખાતરની સહાય, 14 જિલ્લાના 48 હજારથી વધુ ખેડૂતોને લાભ

Tribal Farmers Scheme

Tribal Farmers Scheme હેઠળ ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારોના ખેડૂતોને રવિ સિઝનમાં પણ બિયારણ અને ખાતરની સહાય આપવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી આ યોજના હેઠળ મુખ્યત્વે ખરીફ સિઝન માટે સહાય આપવામાં આવતી હતી. હવે રાજ્યના 14 આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લાઓના 48 હજારથી વધુ ખેડૂતોને તેનો લાભ મળશે. લાભાર્થીઓને કિટ વિતરણ કરવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે.

આ યોજના માટે અગાઉ ખેડૂતો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. સરકાર દ્વારા ખેડૂતોને એક એકર જમીન માટે પૂરતું બિયારણ અને ખાતર આપવામાં આવશે. કિટમાં પાકના બિયારણ ઉપરાંત ત્રણ પ્રકારની ખાતર સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Tribal Farmers Scheme: કિટમાં બિયારણ સાથે ત્રણ પ્રકારના ખાતર

દરેક લાભાર્થી ખેડૂતને પ્રોમ (PROM) ખાતરની 50 કિલોની એક બેગ, એમોનિયમ સલ્ફેટની 50 કિલોની એક બેગ અને એનપીકે (NPK) કોન્સોર્ટિયાની એક બોટલ આપવામાં આવશે. બિયારણની ફાળવણી જિલ્લાની ભૌગોલિક સ્થિતિ અને સ્થાનિક આબોહવાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂતોને ઘઉં, ચણા અને મકાઈ જેવા મુખ્ય પાકનું બિયારણ મળશે. તેની સાથે ટમેટા, રીંગણ અને ભીંડામાંથી કોઈ એક શાકભાજીના પાકનું બિયારણ પણ આપવામાં આવશે.

દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લાના ખેડૂતોને ભીંડા, ટમેટા, દૂધી અને કાકડીના બિયારણની ફાળવણી થશે. પૂરક પાક તરીકે રીંગણ અથવા બ્રોકલીનું બિયારણ ખાતર સાથે અપાશે.

અગાઉ ખરીફ સિઝનમાં મગફળી, સોયાબીન, જુવાર, ડાંગર, રીંગણ, અડદ, તુવેર, રાગી, ભીંડા અને બાજરી જેવા પાકોમાંથી કોઈ એકના બિયારણની સહાય અપાતી હતી.

દરમિયાન, આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આદિવાસી વિસ્તારો પર સરકારનું વિશેષ ધ્યાન હોવાની રાજકીય ચર્ચાઓ પણ ચાલી રહી છે. જોકે, આ સહાય યોજનાનો ચૂંટણી સાથે સીધો સંબંધ હોવાની કોઈ સત્તાવાર પુષ્ટિ આપવામાં આવી નથી.

Rajkot Temple Fraud: ડાકોરમાં મંદિરના નામે ₹1.25 કરોડની છેતરપિંડી