Ice Cream vs Frozen Dessert અંગે ગુજરાતના આરોગ્ય વિભાગે ગ્રાહકોમાં જાગૃતિ લાવવાનું અભિયાન શરૂ કર્યું છે. રાજ્યના આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ વીડિયો સંદેશ દ્વારા લોકોને આઈસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેનો તફાવત સમજાવ્યો છે. તેમણે અપીલ કરી છે કે આઈસક્રીમ ખરીદતી વખતે પેકેટ પરનું લેબલ અને તેમાં વપરાયેલી સામગ્રીની વિગતો જરૂર તપાસવી જોઈએ.
ગુજરાતમાં એનાલોગ પનીર સામે કાર્યવાહી બાદ હવે આરોગ્ય વિભાગે આઈસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અંગે જાગૃતિ વધારવા માટે ‘ઓપરેશન હેલ્થ’ શરૂ કર્યું છે. આ અભિયાન ખાદ્ય અને ઔષધ નિયંત્રણ વહીવટીતંત્ર (FDCA) દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.
આરોગ્યમંત્રીના જણાવ્યા અનુસાર, બજારમાં આઈસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ બંને ઉત્પાદનો મળે છે. ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ, 2006 હેઠળ બંને માન્ય ખાદ્ય પદાર્થો છે. જોકે, દેખાવ અને ઠંડા તાપમાનને કારણે બંને એકસરખાં લાગતાં હોવાથી ગ્રાહકો ઘણીવાર બંને વચ્ચેનો તફાવત ઓળખી શકતા નથી.
आइसक्रीम के नाम पर क्या खरीद रहे हैं आप?
आइसक्रीम और फ्रोजन डेज़र्ट दिखने में एक जैसे हो सकते हैं, लेकिन इनके घटक अलग-अलग होते हैं।
अगली बार आइसक्रीम खरीदते समय पैकेट का लेबल जरूर पढ़ें।
#OperationHealth #FoodSafety #ConsumerAwareness #HealthyGujarat #HealthForAll https://t.co/KS3PUy7CNq
— Praful Pansheriya (@prafulpbjp) November 18, 2026
Ice Cream vs Frozen Dessert: બનાવટમાં શું છે તફાવત?
આઈસક્રીમ મુખ્યત્વે દૂધની ચરબી એટલે કે મિલ્ક ફેટમાંથી બનાવવામાં આવે છે, જ્યારે ફ્રોઝન ડેઝર્ટમાં વનસ્પતિ ચરબીનો ઉપયોગ થાય છે. બંનેની બનાવટ અલગ હોવા છતાં દેખાવમાં સમાનતા હોવાથી ગ્રાહકોમાં ગેરસમજ થવાની શક્યતા રહે છે.
આરોગ્ય વિભાગે ગ્રાહકોને કોઈ પણ ખાદ્ય પદાર્થ ખરીદતાં પહેલાં પેકેટ પરનું ઉત્પાદનનું નામ, સામગ્રીની યાદી અને પોષણ સંબંધિત માહિતી વાંચવાની સલાહ આપી છે. ઉત્પાદન ખાદ્ય સુરક્ષા અને ગુણવત્તાનાં લાગુ ધોરણોને અનુરૂપ છે કે નહીં તે પણ તપાસવું જરૂરી છે.
મંત્રી પાનશેરીયાએ આઈસક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વેચતા દુકાનદારોને પણ સૂચના આપી છે કે તેઓ ગ્રાહકોને ઉત્પાદનમાં વપરાયેલી સામગ્રી વિશે સ્પષ્ટ માહિતી આપે. બંને ઉત્પાદનોની ઓળખ માટે યોગ્ય ડિસ્પ્લે બોર્ડ અથવા નિશાન લગાવવાની પણ અપીલ કરવામાં આવી છે.
ગુજરાતમાં FDCAના કમિશનર તરીકે રતન કંવર ગઢવી ચરણ કાર્યરત છે. આ અભિયાનનો હેતુ ગ્રાહકોને ખાદ્ય પદાર્થોની યોગ્ય ઓળખ અને સમજ સાથે ખરીદી કરવા પ્રેરિત કરવાનો છે.

