Gujarat Tourismને લઈને પંજાબી ગાયક દિલજીત દોસાંઝે ગુજરાતની મુલાકાત દરમિયાન અહીંનાં પ્રવાસન સ્થળોની સુંદરતાનાં વખાણ કર્યા છે. ગીર લાયન સફારીની મુલાકાત બાદ તેઓ જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ‘જય હનુમાન જ્ઞાન ગુણ સાગર’ ભજન સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
દિલજીતના આ વીડિયો પર ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે ગુજરાતનાં સ્વાદિષ્ટ ભોજન, ગીરનાં જંગલોની સુંદરતા અને ગિરનાર રોપવે પરથી જોવા મળતાં અદ્ભુત દૃશ્યોનો ઉલ્લેખ કર્યો હતો.
સંઘવીએ લખ્યું હતું કે દિલજીત દોસાંઝે લોકોને ગુજરાતમાં થોડા દિવસ વિતાવવાની વાત કહી છે, ત્યારે હવે રાજ્યને નવા અંદાજમાં અનુભવવાનો સમય આવી ગયો છે. ઉલ્લેખનીય છે કે દિલજીત 21 નવેમ્બરની સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સંગીત કાર્યક્રમમાં રજૂઆત કરવાના છે.
From enjoying Gujarat’s food to experiencing the thrill of Gir and taking a ride on the Girnar Ropeway, Diljit Dosanjh gives a glimpse of the many experiences Gujarat has to offer.
As he says, “Kuch Din to Gujaro Gujarat me” and experience it all yourself. https://t.co/6C4hNltDmA
— Gujarat Tourism (@GujaratTourism) November 18, 2026
Gujarat Tourism: દિવાળીમાં દ્વારકાએ પ્રવાસીઓની સંખ્યામાં મારી બાજી
હર્ષ સંઘવીએ દિવાળીની રજાઓ દરમિયાન ગુજરાતનાં મુખ્ય પ્રવાસન સ્થળોએ પહોંચેલા પ્રવાસીઓના આંકડા પણ જાહેર કર્યા છે. વર્ષ 2026માં 6થી 14 નવેમ્બર દરમિયાન રાજ્યનાં આઠ ઐતિહાસિક, ધાર્મિક અને પ્રવાસન સ્થળોએ 38 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.
આ આંકડા અનુસાર, સૌથી વધુ વધારો દ્વારકામાં નોંધાયો હતો. દ્વારકા મંદિરમાં 9.75 લાખ પ્રવાસીઓ પહોંચ્યા હતા, જે ગયા વર્ષની સરખામણીમાં 128.8 ટકાનો વધારો દર્શાવે છે.
અંબાજી મંદિર, ગબ્બર હિલ અને રોપવે પર 11.95 લાખથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા હતા. અહીં 48.9 ટકાનો વધારો નોંધાયો હતો. સોમનાથ મંદિરમાં 9.12 લાખથી વધુ પ્રવાસીઓ આવ્યા હતા, જે 43.9 ટકાનો વધારો છે.
નડાબેટમાં 37 હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જ્યારે સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં 5.57 લાખથી વધુ પ્રવાસીઓ પહોંચ્યા હતા. બંને સ્થળોએ અનુક્રમે 54.1 ટકા અને 32.35 ટકાનો વધારો નોંધાયો હતો.
આ ઉપરાંત ગિરનાર રોપવે પર 48,800થી વધુ, વડનગરમાં 62 હજારથી વધુ અને ભુજના સ્મૃતિવન મેમોરિયલમાં 25 હજારથી વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. આ આંકડા ગુજરાતનાં ધાર્મિક અને પ્રવાસન સ્થળો પ્રત્યે પ્રવાસીઓના વધતા આકર્ષણને દર્શાવે છે.

