ભદ્ર પાથરણાવાળા કેસ : અમદાવાદના ઐતિહાસિક ભદ્ર પરિસરમાં પાથરણાવાળાઓના મુદ્દે નવો વળાંક આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટે પાથરણાવાળાઓની તરફેણમાં આપેલા ચુકાદા સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કાયદેસરના ફેરિયાઓ માટે હાલ પૂરતી સ્થિતિ યથાવત્ એટલે કે ‘સ્ટેટસ ક્વો’ જાળવી રાખવાનો આદેશ કર્યો છે.
ભદ્ર પાથરણાવાળા કેસ : સુપ્રીમ કોર્ટનો આદેશ અને સ્પષ્ટતા
સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ભદ્ર પરિસર સહિતના જાહેર માર્ગો પર વેપાર કરવા પર પ્રતિબંધ છે, પરંતુ જે ફેરિયાઓ ફૂટપાથ પર કાયદેસર રીતે વેચાણ કરી રહ્યા છે, તેમની સ્થિતિ હાલ યથાવત્ રહેશે. આગામી ૬ તારીખ સુધી આ ‘સ્ટેટસ ક્વો’ જાળવી રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
હાઈકોર્ટના ચુકાદા પર કોઈ સ્ટે નથી: સેવા સંસ્થા
આ સુનાવણીમાં હાજર રહેલા સેવા સંસ્થાના સભ્યએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હાઈકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો હોવાની વાતો તદ્દન ખોટી છે. કોર્ટે માત્ર એટલું જ કહ્યું છે કે AMC દ્વારા વેરિફાઈ કરાયેલા ૧૭૭ લોકોને હાલ ત્યાંથી ખસેડવામાં આવે નહીં. આ સિવાય કોર્ટે અન્ય કોઈ આદેશ આપ્યો નથી.
AMC ની રોડ સેફટીની દલીલ અને વાસ્તવિકતા
કોર્પોરેશને પોતાની અરજીમાં રજૂઆત કરી હતી કે પાથરણાવાળાઓના કારણે ટ્રાફિક અને રોડ સેફટીનો પ્રશ્ન ઊભો થાય છે. તેમણે સુપ્રીમ કોર્ટના સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોડ સેફટીના ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જોકે, સેવા સંસ્થાના સભ્યના જણાવ્યા અનુસાર, અરજીમાં ભલે આ વાતો ટાંકવામાં આવી હોય, પરંતુ કોર્ટમાં આ અંગે કોઈ ચર્ચા થઈ ન હતી.
અગાઉનો હુકમ યથાવત્
હકીકતમાં, ૨૬૦ લોકોને બેસાડવા અને લાયસન્સ વગરના ૧૧૨ લોકોનું વેરિફિકેશન કરીને તેમને લાયસન્સ આપવા બાબતે જે અગાઉનો હુકમ હતો, તેના પર સુપ્રીમ કોર્ટે કોઈ સ્ટે આપ્યો નથી. કોર્ટે ફક્ત આઈડેન્ટિફાય કરાયેલા લોકોને હાલ પૂરતા ત્યાંથી ન ખસેડવા જણાવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત મહેસૂલ વિભાગનો મોટો નિર્ણય, 80 નાયબ મામલતદારોની કરાઇ બદલી!

